<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

યુદ્ધના મેદાનમાં માનવ સૈનિકોના સ્થાનિક રક્ષણ માટે ટેકનોલોજીનો મહાચક્રવ્યૂહ: ડ્રોન સફળતા બાદ હવે યુક્રેને સૈન્યમાં 'રોબોટ આર્મી' તૈનાત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો

​રશિયા સામેના અત્યંત જોખમી અને કપરા મોરચા પર ઘાયલોને બચાવવા, ખાનગી સુરંગોમાં વિસ્ફોટો કરવા તથા દારૂગોળો પહોંચાડવા જેવા હાઈ-રિસ્ક મિશનો હવે આધુનિક ગ્રાઉન્ડ રોબોટ્સ અને ઓટોનોમસ મશીનો સંભાળશે; ટેક પ્રાઇવેટ સેક્ટર અને એન્જિનિયરોને જોડતું નવું સંરક્ષણ ઇકોસિસ્ટમ તૈયાર કરાયું

​કિવ :​રશિયા સામે ચાલી રહેલા લાંબા અને સંઘર્ષપૂર્ણ યુદ્ધ વચ્ચે યુક્રેને મોરચે ચાલી રહેલી લડાઈનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખવાની દિશામાં એક નવું આક્રમક પગલું ભર્યું છે. આકાશમાં ડ્રોન દ્વારા રશિયન સૈન્યને મોટો આંચકો આપ્યા બાદ હવે યુક્રેને જમીની સંગ્રામમાં માનવ સૈનિકોના જાનમાલના જોખમને નહિવત્ કરવા માટે 'રોબોટ આર્મી' (Army of Robots) પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી છે. રણમેદાનમાં જવાન સામે સીધું જોખમ ઊભું થતું હોય તેવા સૌથી મુશ્કેલ અને ભયજનક કાર્યો હવે ટેકનોલોજી આધારિત જમીની રોબોટ્સ અને ઓટોનોમસ સિસ્ટમ્સ દ્વારા જ પૂરા કરવામાં આવશે.

​યુક્રેનના પૂર્વ સંરક્ષણ મંત્રી અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણી મિખાઇલો ફેદોરોવે લવિવ ખાતે યોજાયેલી 'આઇટી એરેના ૨૦૨૬' કોન્ફરન્સ દરમિયાન આ નવતર અને ક્રાંતિકારી રોબોટિક્સ પહેલનો ખુલાસો કર્યો હતો. વર્ષ ૨૦૨૨માં યુક્રેને સફળતાપૂર્વક શરૂ કરેલી 'આર્મી ઓફ ડ્રોન્સ' ની અપાર સફળતા બાદ આ પગલું આગળ ધપાવવામાં આવ્યું છે. હાલ યુદ્ધભૂમિ પર થતા ૯૫ ટકાથી વધુ આક્રમક હુમલા ડ્રોન ટેકનોલોજીથી થાય છે અને દેશમાં ૭૦૦થી વધુ ડ્રોન ઉત્પાદકો કાર્યરત છે, ત્યારે યુક્રેન હવે ભૂમિગત યુદ્ધમાં પણ ટેકનોલોજીકલ ક્રાંતિ સર્જવા જઈ રહ્યું છે.

​આર્મી ઓફ રોબોટ્સનો મુખ્ય હેતુ સૈનિકોના અમૂલ્ય જીવનનું રક્ષણ કરવાનો છે. યુદ્ધક્ષેત્રમાં દુશ્મનની ગોળીબાર વચ્ચે ઘવાયેલા યુક્રેનિયન જવાનોને રેસ્ક્યૂ કરવા, મોરચા સુધી ભારે માત્રામાં દારૂગોળો તથા ખાદ્યસામગ્રી પહોંચાડવી, રસ્તા પર અને સુમસામ વિસ્તારોમાં માઇન્સ (સુરંગો) બિછાવવી કે તેને નિષ્ક્રિય કરવી, તથા દુશ્મનના સીધા ટાર્ગેટ પર કામીકાઝી હુમલા કરવા જેવા જોખમી કાર્યોમાં માનવ બળને બદલે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રિમોટ કંટ્રોલથી ચાલતા અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ (UGVs) ઉપયોગમાં લેવાશે.

​આ કાર્યક્રમ માત્ર સરકારી સાહસ પૂરતો સીમિત ન રહેતા, તેમાં ખાનગી ક્ષેત્રના એન્જિનિયરો, સ્ટાર્ટઅપ્સ, આર એન્ડ ડી (R&D) લેબ્સ અને ગ્લોબલ ફંડિંગને સાંકળીને એક વ્યાપક ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. રશિયન સૈન્ય પણ નવી ટેકનોલોજી ઝડપથી કોપી કરી રહ્યું હોવાથી યુક્રેને વિરોધી દેશ કરતા એક કદમ આગળ રહેવા માટે આ ખાનગી સહયોગને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે. યુદ્ધ ભૂમિ પર કઈ ટેકનોલોજી વાસ્તવમાં કારગત નીવડે છે તેનું ત્વરિત પરીક્ષણ કરીને તેનું માસ પ્રોડક્શન શરૂ કરવાનો આ પ્રોજેક્ટનો માસ્ટરપ્લાન છે.

(5:34 PM IST)