<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

દીદીના ગઢમાં મહાભૂકંપ: શત્રુઘ્ન સિંહાથી લઈને કાકોલી ઘોષ સુધી... ૧૯ બળવાખોર ટીએમસી સાંસદો જેમાં અનેક આશ્ચર્યજનક નામો ખુલ્યા

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ પત્તાના મહેલની જેમ વિખેરાઈ: કાકોલી ઘોષના નેતૃત્વમાં શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણ સહિતના દિગ્ગજોએ લોકસભા સ્પીકરને પત્ર સોંપી અલગ જૂથ બનાવવાની કરી માંગ

નવી દિલ્હી :  પશ્ચિમ બંગાળના રાજકારણમાં ૧૫ વર્ષનું એકહથ્થુ શાસન ગુમાવ્યા બાદ હવે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ માં ભયાનક આંતરિક વિસ્ફોટ થયો છે. કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં પક્ષના ૨૦ જેટલા લોકસભા સાંસદોએ બળવો પોકારીને દિલ્હીમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક સહી કરેલો પત્ર સુપરત કર્યો છે. આ પત્રમાં આ સાંસદોએ સંસદમાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવા અને ભાજપની આગેવાની હેઠળના NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ને સમર્થન આપવાની સત્તાવાર ઈચ્છા વ્યક્ત કરી છે. લોકસભામાં ટીએમસીના કુલ ૨૮ સાંસદો છે, જેમાંથી ૨૦ સાંસદો અલગ થઈ જતાં પક્ષમાં બે-તૃતીયાંશ (૨/૩) ની મોટી તિરાડ પડી ગઈ છે, જેના કારણે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ બળવાખોરોનું સાંસદ પદ પણ સુરક્ષિત રહેશે.

આ બળવાખોર જૂથમાં બોલિવૂડના 'શૉટગન' શત્રુઘ્ન સિંહા, પૂર્વ સ્ટાર ક્રિકેટર યુસુફ પઠાણ, અને બંગાળી સિનેમાની અભિનેત્રીઓ જૂન માલિયા તથા રચના બેનર્જી જેવા હાઈપ્રોફાઈલ સેલિબ્રિટી ચહેરાઓ સામેલ હોવાથી રાજકીય જગતમાં સન્નાટો મચી ગયો છે. બળવાનું નેતૃત્વ કરી રહેલા વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને બંગાળના નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે બેઠક કર્યા બાદ આક્રમક મૂડમાં જણાવ્યું હતું કે, "મારું માથું કપાઈ જશે પણ ઝૂકશે નહીં, મેં પક્ષમાં ઘણું સહન કર્યું છે." તેમણે ઉમેર્યું કે બંગાળમાં વધી રહેલી કાયદો-વ્યવસ્થાની કટોકટી, બેરોજગારી અને ગેરવહીવટના કારણે તેઓ દેશહિતમાં આ નિર્ણય લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ, રાજ્યસભાના દિગ્ગજ નેતા સુખેન્દુ શેખર રોયે પણ સંસદ અને પક્ષમાંથી રાજીનામું આપી દેતા મમતા કેમ્પ સંપૂર્ણપણે એકલો પડી ગયો છે.

હાલમાં ટીએમસીના વડા મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીના જૂથમાં માત્ર ૮ સાંસદો જ બચ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૨૦૮ બેઠકો જીતીને મમતા બેનર્જીને સત્તા પરથી હટાવ્યાના માત્ર એક જ મહિનાની અંદર આ સંસદીય બળવો થયો છે, જે દર્શાવે છે કે દીદી હવે પોતાના સંગઠન પરથી પકડ ગુમાવી રહ્યા છે. ટીએમસીના સત્તાવાર નેતાઓએ આ બળવાને સત્તાની લાલચ ગણાવી કોર્ટમાં પડકારવાની વાત કરી છે, પરંતુ દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં ચાલી રહેલી હલચલ જોતાં સ્પષ્ટ થાય છે કે બંગાળના રાજકારણનું આ ચિત્ર હવે કાયમ માટે બદલાઈ ચૂક્યું છે.

(9:40 AM IST)