તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
પાકિસ્તાનમાં મહાસંગ્રામ: ઇમરાન ખાનના સમર્થકોની ઇસ્લામાબાદ તરફ કૂચ : ખૈબર પખ્તુનખ્વામાં રાજ્યપાલ શાસન લાદવાની કવાયત
જેલમાં બંધ ઇમરાન ખાનની મુક્તિ માટે PTIનું વિરાટ આંદોલન : કેન્દ્ર સરકાર અને પ્રાંત વચ્ચે ભારે તણાવ વચ્ચે ઇમરજન્સી લાદવાના બંધારણીય વિકલ્પો પર વિચારણા તેજ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનનું રાજકારણ ફરી એકવાર મોટા વિસ્ફોટક મોડ પર આવી પહોંચ્યું છે. જેલમાં ધકેલાયેલા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિ માટે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ એ ઇસ્લામાબાદ તરફ વિશાળ લોંગ માર્ચ શરૂ કરી દીધી છે. સરકાર અને PTI વચ્ચેની બીજા રાઉન્ડની વાટાઘાટો સાવ નિષ્ફળ ગયા બાદ, ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીની આગેવાની હેઠળ 4 ઓક્ટોબરે લક્કી મારવતથી આ કૂચનો પ્રારંભ થયો હતો. હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરેલા કાર્યકરો અને સમર્થકોના આ સૈલાબને કારણે સંઘીય સરકારની ઊંઘ ઉડી ગઈ છે અને ઇસ્લામાબાદની સરહદો સીલ કરી દેવામાં આવી છે.
ઇમરાન ખાનની મુક્તિની આક્રમક માંગ સામે કેન્દ્રની શહબાઝ શરીફ સરકાર પણ કડક વલણ અપનાવી રહી છે. સંઘીય સરકારે આ વિરોધ પ્રદર્શનને ડામવા અને PTI શાસિત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કટોકટી (ઇમરજન્સી) અથવા રાજ્યપાલ શાસન લાદવા જેવા બંધારણીય વિકલ્પો પર ગંભીર વિચારણા શરૂ કરી છે. કેન્દ્ર સરકારનો આરોપ છે કે પ્રાંતની PTI સરકાર આતંકવાદ સામે સખત પગલાં લેવામાં નિષ્ફળ રહી છે અને હવે સરકારી મશીનરીનો ઉપયોગ આંદોલન માટે કરી રહી છે. સામે પક્ષે PTI એ આ આરોપોને ફગાવી દેતા દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર પ્રાંતના બંધારણીય અધિકારો પર ત્રાપ મારીને એકપક્ષીય સત્તા કબ્જે કરવા માંગે છે.
ખૈબર પખ્તુનખ્વાના રાજ્યપાલ ફૈઝલ કરીમ કુંડી અને ગવર્નર હાઉસે આપેલા નિવેદન બાદ આ રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો પ્રાંતની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે જરૂર પડશે તો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ભલામણથી બંધારણીય ભૂમિકા ભજવીને રાજ્યપાલ શાસન લાદવામાં જરાય હિચકિચાટ નહીં થાય. અગાઉ ગૃહમંત્રી મોહસીન નકવી પણ આવા કાનૂની વિકલ્પોનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. એક તરફ ઇસ્લામાબાદ તરફ વધી રહેલી જનમેદની અને બીજી તરફ કેન્દ્ર સરકારના કડક આદેશો વચ્ચે આગામી દિવસોમાં પાકિસ્તાનમાં ભારે ગૃહકલેશ અને મોટા રાજકીય ઉલટફેરની શક્યતાઓ સેવાઈ રહી છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
