તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે બ્રહ્માકુમારીઝ સંગઠનના મહાનુભાવોની શુભેચ્છા મુલાકાત : શાંતિ અને માનવીય મૂલ્યોના સેવાકાર્યો અંગે ચર્ચા
સમાજમાં શાંતિ, આધ્યાત્મિક ચેતના અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે સંસ્થાનું કાર્ય અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

આબુ:વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ માનવીય મૂલ્યો, શાંતિ અને સદ્ભાવ જેવા દિવ્ય સદ્ગુણોને વિસરીને વિશ્વયુદ્ધ તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે વિશાળ વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા દેશ-વિદેશમાં નારીશક્તિના માધ્યમથી શાંતિ અને સદ્ભાવની સ્થાપના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કલ્યાણકારી પ્રવૃત્તિઓના ભાગરૂપે સંસ્થાના વિવિધ પ્રભાગોના મહાનુભાવોએ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે એક ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સેવાકીય બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
૩૫૦ સેવાધારી ભાઈ-બહેનોએ લીધી રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત:
બ્રહ્માકુમારીઝ સંસ્થાના મીડિયા સંયોજક શશીકાન્ત ત્રિવેદી અને ડૉ. રાજેશ ભોજકના જણાવ્યા અનુસાર, વિશ્વવિદ્યાલયના માધ્યમથી સમાજના વિવિધ વર્ગોની મૂલ્યનિષ્ઠ સેવા કરતા દેશભરના ૩૫૦ જેટલા સેવાકીય બ્રહ્માકુમાર ભાઈઓ અને બહેનોના જૂથે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળમાં સંસ્થાના વરિષ્ઠ પદાધિકારીઓ આશા દીદી, સૂર્યભાઈ અને લલિતભાઈ સહિતના અગ્રણી મહાનુભાવો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
બ્રહ્માકુમારીઝના સેવાકાર્યો સરાહનીય - રાષ્ટ્રપતિ:
રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય 'વેસ્ટ હોલ' માં યોજાયેલા આ વિશાળ સ્નેહ મિલન સમારંભને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું કે, સમાજમાં વ્યાપક અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે શાંતિ, આધ્યાત્મિક ચેતના તથા માનવીય મૂલ્યો જેવા શ્રેષ્ઠ ગુણોનો પ્રસાર કરવો અનિવાર્ય છે અને આ દિશામાં બ્રહ્માકુમારીઝ સંગઠન દ્વારા કરવામાં આવી રહેલી માનવ સેવા ખરેખર પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે સંસ્થા દ્વારા ફેલાવવામાં આવતા સકારાત્મક વિચારો અને શાંતિ-સદ્ભાવથી ભરેલા સંગઠિત વિશાળ સેવાકાર્યો લોકોને સતત આધ્યાત્મિક જાગૃતિ તરફ દોરી જાય છે.
ભારતને વિશ્વગુરુ બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવાયો:
આ ગરિમામય સમારંભમાં બ્રહ્માકુમારી આશાબેને વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે, રાજયોગ અને ઈશ્વરીય જ્ઞાન મનુષ્યના જીવનમાં શ્રેષ્ઠ ધારણાઓ સ્થાપિત કરે છે. આ જ્ઞાન સમાજના સકારાત્મક પરિવર્તન માટે એક અદ્ભુત અને વિશાળ બળ પૂરું પાડે છે, જેનાથી સમાજનું નવદિવ્ય સર્જન શક્ય બને છે, જે આધ્યાત્મિકતાની વધતી પ્રતિભાનું જ પરિણામ છે. આ અવસરે બ્રહ્માકુમારીઝના વિશાળ સંગઠને રાજયોગનો સામૂહિક અભ્યાસ કર્યો હતો અને રાષ્ટ્રપતિ ભવનના પવિત્ર વાતાવરણમાંથી રાષ્ટ્રના નવનિર્માણ, માનવ સેવા તથા સર્વ કલ્યાણના હેતુ માટે સંગઠિત થઈને ભારત દેશને પુનઃ 'વિશ્વગુરુ' બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
