તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
લગ્નના દિવસે જાન લઈને જતાં વરરાજાનું મોતઃ પછી દિયરે થનારી ભાભી સાથે લગ્ન કર્યા
રોડ અકસ્માતમાં વરરાજાનું અકાળે મોત થયા બાદ સામાજિક લોક-લાજ અને બંને પરિવારોની સહમતિથી વરરાજાના નાના ભાઈ સાથે લગ્નની વિધિ પૂરી કરી

પટના તા.૭: બિહારના એક જિલ્લામાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં ખુશીઓથી થનગની રહેતી જાન થોડી જ વારમાં માતમમાં ફેરવાઈ ગઈ. નિયતિનો આવો ક્રૂર ખેલ એ ઘરમાં જોવા મળ્યો હતો, જ્યાં લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા. ત્યાં વરરાજાની અર્થી ઉઠી, તો વળી બીજી તરફ બીજા લગ્ન પણ કરવા લાગ્યા.
હકીકતમાં જોઈએ તો, રોડ અકસ્માતમાં વરરાજાનું અકાળે મોત થયા બાદ સામાજિક લોક-લાજ અને બંને પરિવારોની સહમતિથી વરરાજાના નાના ભાઈ સાથે લગ્નની વિધિ પૂરી કરી. આ વીડિયો બિહારમાં ક્યાંનો છે, એ જાણવા નથી મળ્યું, પણ સોશિયલ મીડિયા પર તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે ઘણા લોકો અલગ અલગ દાવા કરી રહ્યા છે. જો કે ન્યૂઝ ૧૮ આ વાયરલ ન્યૂઝ અને વીડિયોની પુષ્ટિ નથી કરતું.
જાણકારી અનુસાર, જાન વાજતે-ગાજતે કન્યા પક્ષના ઘરે જવા રવાના થઈ. વરરાજો પોતાની શણગારેલી ગાડીમાં બેઠો હતો અને જીવનની નવી સફરની શરુઆતને લઈ ઉત્સાહિત હતો. પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. રસ્તામાં વરરાજાની ગાડી એક ભીષણ અકસ્માતનો શિકાર થઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે વરરાજાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. આ સમાચાર મળતા જ જાનૈયા અને પરિવારના લોકોમાં કાળો દેકારો થઈ ગયો.
દુર્ઘટના બાદ લગ્નવાળા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. એક તરફ દીકરાના મોતનો ગમ હતો, તો બીજી તરફ કન્યા પક્ષ સામે સન્માન અને દીકરીના ભવિષ્યનો સવાલ. કલાકો સુધી વાતચીત થઈ અને બંને પક્ષના વડીલોની આપસી સહમતિ બાદ એક નિર્ણય લેવામાં આવ્યો. નક્કી થયું કે કન્યાને ખાલી હાથ વિદાય નહીં કરવામાં આવે. ત્યાર બાદ મૃતક વરરાજાના નાના ભાઈને વરરાજો બનાવ્યો, વિધિ-વિધાન સાથે લગ્ન સંપન્ન થયા.
આ ઘટના હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સમાજનો એક વર્ગ પરિવારની મજબૂરી અને દીકરીના સન્માનને બચાવવા માટે આ એક સાહસી નિર્ણય ગણાવી રહ્યા છે. લોકોનો તર્ક છે કે આવી સ્થિતિમાં છોકરીના ભવિષ્યને અંધકારમાં ડૂબતું બચાવવા માટે આ સૌથી યોગ્ય પગલું હતું. બીજી તરફ અમુક લોકો તેને વિવાદાસ્પદ માની રહ્યા છે. તેમનો તર્ક છે કે આવા ઊંડા માનસિક આઘાત અને શોકની ઘડીમાં લગ્ન જેવા મોટા નિર્ણય લેવા માનવીય સંવેદનાઓની દ્રષ્ટિથી ખૂબ જ અઘરું છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
