<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

પાકિસ્તાની સરકારી હોસ્પિટલનો ઘોર બેદરકારી :એક જ સિરિન્જના વારંવાર ઉપયોગથી 300થી વધુ બાળકો HIV સંક્રમણનો ભોગ બન્યા

હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારી અને અસુરક્ષિત ઈન્જેક્શન પદ્ધતિએ સેંકડો પરિવારોને પાયમાલ કરી દીધા:સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને અફરાતફરીનો માહોલ

પાકિસ્તાનની એક સરકારી હોસ્પિટલમાં માનવતા અને તબીબી નૈતિકતાને લજવતી ઘટના સામે આવી છે. અહીં એક જ સિરિંજનો ઉપયોગ અનેક દર્દીઓ પર કરવાને કારણે 331 જેટલા નિર્દોષ બાળકો HIV સંક્રમણનો ભોગ બન્યા છે. એક ખાનગી ન્યૂઝ એજન્સીની તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારી અને અસુરક્ષિત ઈન્જેક્શન પદ્ધતિએ સેંકડો પરિવારોને પાયમાલ કરી દીધા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ અને અફરાતફરીનો માહોલ છે.

 

એક ખાનગી ન્યૂઝ એજન્સી દ્વારા ટૌન્સાની હોસ્પિટલમાં કરવામાં આવેલા ગુપ્ત ઓપરેશનમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, હોસ્પિટલનો સ્ટાફ સ્ટેરાઈલ ગ્લવ્ઝ પહેર્યા વગર અને એક જ સિરિંજ બોડીનો ઉપયોગ અનેક બાળકો પર કરતો જોવા મળ્યો હતો. તબીબી નિષ્ણાતોના મતે, ભલે સોય બદલવામાં આવે, પરંતુ જો સિરિંજની બોડી (પાછળનો ભાગ) તે જ રાખવામાં આવે તો અગાઉના દર્દીના વાયરસ બીજા દર્દીના શરીરમાં આસાનીથી પ્રવેશી શકે છે. આ ઘોર બેપરવાહીને કારણે નવેમ્બર 2024 થી ઓક્ટોબર 2025 દરમિયાન સેંકડો બાળકો સંક્રમિત થયા છે.

 

આ બેદરકારીએ એક માસૂમનો ભોગ પણ લીધો છે. 8 વર્ષના એક બાળકનું HIV સંક્રમણને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકની માતાએ રડતા રડતા જણાવ્યું કે, તેનો પુત્ર રૂટિન સારવાર માટે હોસ્પિટલ ગયો હતો, જ્યાં તેને દૂષિત ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. તે બાળકની બહેન પણ હવે HIV પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સ્થાનિક ડોક્ટર ગુલ કૈસરાનીએ તેમના ક્લિનિકમાં આવતા બાળકોમાં HIVના કેસોમાં અચાનક ઉછાળો જોયો હતો.

 

રિપોર્ટમાં હોસ્પિટલની અંદરની ગંદકીના દ્રશ્યો પણ કેદ થયા છે. કાઉન્ટર પર ખુલ્લી પડેલી વપરાયેલી સોય, મેડિકલ વેસ્ટનો અયોગ્ય નિકાલ અને નર્સિંગ સ્ટાફ દ્વારા વપરાયેલી સિરિંજમાં બચેલું પ્રવાહી કાઢીને ફરીથી ઉપયોગમાં લેવાની પદ્ધતિએ ખળભળાટ મચાવ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ પ્રકારની હલકી કક્ષાની મેડિકલ પ્રેક્ટિસથી HIV જેવા જીવલેણ રોગો વહેલી તકે ફેલાય છે. માતા-પિતાએ પણ ફરિયાદ કરી છે કે તેમણે સ્ટાફને વારંવાર એક જ સાધનો વાપરતા જોયા હતા.

 

આટલા મજબૂત પુરાવાઓ હોવા છતાં, હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. કાસિમ બુઝદારે તમામ આરોપોને નકારી દીધા છે. તેમણે ન્યૂઝ એજન્સીના ફૂટેજની સત્યતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ બધું સ્ક્રિપ્ટેડ હોઈ શકે છે. તેમણે દાવો કર્યો કે હોસ્પિટલ સુરક્ષિત છે અને તેઓ તમામ પ્રોટોકોલનું પાલન કરે છે. જોકે, 300થી વધુ બાળકોના પોઝિટિવ રિપોર્ટ હોસ્પિટલના આ દાવાઓની પોલ ખોલી રહ્યા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ પણ આ મામલે ચિંતિત છે.

 

(6:53 PM IST)