તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
હાઇટેક બન્યું GST: આઈપી એડ્રેસ પરથી બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાશે
એક જ આઈપી પરથી સૌથી વધુ ભરાતા રિટર્નના આધારે તપાસ થશે

મુંબઈ,તા.૨૪: બોગસ બિલિગ અટકાવવા હવે જે કોમ્પ્યૂટર પરથી એકથી વધુ રિટર્ન ભરવામાં આવતા હોય અથવા તો રિફંડ ક્લેઈમ કરવામાં આવતા હોય તેના આઈપી એડ્રેસ પર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે અત્યાર સુધીમાં જે સૌથી વધુ બોગસ બિલિગના કેસ ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં એક જ વ્યક્તિ દ્વારા રિટર્ન ભરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવાની વિગતો વિભાગના અધિકારીઓને હાથે લાગી છે.
વેપારીઓ કરતા સૌથી વધુ જીએસટી રિટર્ન ટેક્સ કન્સલ્ટન્ટ, એકાઉન્ટન્ટ અને સીએ દ્વારા દર મહિને ભરવામાં આવતા હોય છે. તેમજ તેઓને જીએસટીમાં રહેલી ખામીઓથી પણ સારી રીતે વાકેફ હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો આવા લોકો દ્વારા જ બોગસ બિલિગ કરવા માટે વેપારીઓને જણાવતા હોવાનું કહેવાય છે. તેના કારણે જ કેટલાક લોકો બોગસ બિલિગના રેકેટમાં સામેલ થઇ જાય છે.
માલ મોકલ્યા વિના જ કરોડો રૂપિયાની આઈટીસી પોતાના ખાતામાં આવી જતી હોય એટલે વેપારીઓને તો તડાકો પડી જતો હોય છે. આ રીતે ધીમે ધીમે તેઓ બોગસ બિલિગના રેકેટમાં સામેલ થઈ જતા હોય છે. પરંતુ તેના કારણે સરકારને લાખ્ખો રૂપિયાની ખોટ જતી હોય છે. આ રેકેટને અટકાવવા માટે હવે જીએસટી વિભાગે એક જ કોમ્પ્યૂટર પરથી ભરવામાં આવતા સૌથી વધુ રિટર્નના આઈપી એડ્રેસ પર નજર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ તે દિશામાં કાર્યવાહી પણ શરૂ થઈ છે, કારણ કે તેના આધારે મસમોટા બોગસ બિલિગના રેકેટનો પર્દાફાશ વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવ્યો હોવાની હકીકતો જાણવા મળી છે
આઇટીસીનું શું કરવામાં આવે છે તેની પણ તપાસ
સીએ, ટેક્સ કન્સલ્ટન્ટ અથવા તો એકાઉન્ટન્ટ દ્વારા એક જ કોમ્પ્યૂટર પરથી રિટર્ન ભરવામાં આવે એટલે તેનો આઇપી એડ્રેસ પર એક જ હોય છે. હવે આ આઇપી એડ્રેસ પરથી ભરવામાં આવેલા તમામ રિટર્નની જાણકારી વિભાગ દ્વારા એકત્ર કરીને તેની તપાસ કરવામાં આવે છે. તેમાં પણ કઇ વ્યક્તિ દ્વારા સૌથી વધુ આઇટીસી લેવામાં આવે છે તેમજ તે આઇટીસી ઉપાડી લેવામાં આવે છે કે પછી તે રકમનું શું કરવામાં આવે છે તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે આ તમામ બાબતોની તપાસ કરવામાં આવ્યા બાદ બોગસ બિલિગના રેકેટના મૂળ સુધી પહોંચી શકાય છે.(૪૦.૧૩)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
