<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

અયોધ્યામાં GST વિભાગનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો: લક્ઝરી સ્પોર્ટ્સ કારમાંથી નીકળ્યો કરોડોનો ખજાનો, ૩.૫ ક્વિન્ટલ ચાંદી અને સોનું જપ્ત થતાં ખળભળાટ!

રોનાહી ટોલ પ્લાઝા પર ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને પકડાયું કાળું નાણું; બિલ વગર સોના-ચાંદીની હેરાફેરી કરતું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું

અયોધ્યા, તા.૧૭: રામનગરી અયોધ્યામાંથી એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના GST (સ્ટેટ ટેક્સ) વિભાગે પોલીસ તંત્રની મદદથી એક ગુપ્ત માહિતીના આધારે અત્યાર સુધીનો સૌથી મોટો દરોડો પાડીને કરોડો રૂપિયાની કિંમતનો સોના-ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. અયોધ્યા-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા રોનાહી ટોલ પ્લાઝા પાસે ગુરુવારે મોડી સાંજે એક શંકાસ્પદ લક્ઝરી સ્પોર્ટ્સ કારને રોકીને જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. કારની અંદરથી આશરે ૩.૫ ક્વિન્ટલ (૩૫૦ કિલો) ચાંદી, કિંમતી ચાંદીના દાગીના અને મોટી માત્રામાં સોનાના દાગીનો મળી આવ્યા છે.

GST વિભાગના જણાવ્યા અનુસાર, કારમાં સવાર વ્યક્તિઓ આ કરોડો રૂપિયાના સોના-ચાંદીના વહન અંગેના કોઈ પણ પ્રકારના કાયદેસર દસ્તાવેજો, પાકા બિલ કે ઇ-વે બિલ રજૂ કરી શક્યા ન હતા. જેના કારણે સમગ્ર જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.

ગુપ્ત બાતમીના આધારે ફિલ્મી ઢબે ગોઠવાયું વોચ

આ સમગ્ર ઓપરેશનની વિગતો આપતાં એડિશનલ કમિશનર (ગ્રેડ-૧) બ્રિજેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, GST વિભાગને બપોરના સમયે એક ચોક્કસ કમાન્ડ સેન્ટર તરફથી ગુપ્ત માહિતી મળી હતી કે, અયોધ્યા-લખનૌ નેશનલ હાઈવે પરથી કોઈ પણ માન્ય દસ્તાવેજો વિના અને ટેક્સ ચોરી કરીને કિંમતી ધાતુઓનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમી મળતા જ GST અધિકારીઓની એક સ્પેશિયલ ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને રોનાહી ટોલ પ્લાઝા પર કડક વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. જેવી બાતમી મુજબની સ્પોર્ટ્સ કાર ત્યાં પહોંચી, ટીમે તેને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને તલાશી લેતા તેમાંથી કરોડોનો આ ખજાનો મળી આવ્યો હતો.

અધિકારીઓએ ઉમેર્યું કે, સંબંધિત વ્યક્તિઓને નોટિસ ફટકારીને કાયદેસરના કાગળો રજૂ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં પુરાવા નહીં મળે તો કડક દંડની સાથે કાનૂની કાર્યવાહી કરાશે. હાલમાં આ જપ્ત કરાયેલા સોના-ચાંદીને કડક સુરક્ષા વચ્ચે સરકારી તિજોરીમાં જમા કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મુઝફ્ફરનગરમાં પણ નકલી કંપની બનાવી GST ચોરી ઝડપાઈ

ઉત્તર પ્રદેશમાં ટેક્સ ચોરી કરનારાઓ સામે જીએસટી વિભાગે ચોતરફા મોરચો ખોલ્યો છે. અયોધ્યાની આ મોટી કાર્યવાહી પહેલા મુઝફ્ફરનગરમાં પણ રાજ્ય કર વિભાગની ખતૌલી મોબાઈલ ટીમે એક મોટી આંતરરાજ્ય GST ચોરીનો પર્દાફાશ કર્યો હતો. સહાયક કમિશનર નીતિન કુમાર વાજપેયીની આગેવાની હેઠળની ટીમે શાહપુર વિસ્તારમાંથી રૂ. ૨૦ લાખની કિંમતના ૧૦,૦૭૦ કિલો સીસાના ઇંગોટ્સ (Lead Ingots) થી ભરેલી એક ટ્રક જપ્ત કરી હતી.

આ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે, આ માલ મુઝફ્ફરનગરના બેગરાજપુરથી હરિયાણા મોકલવામાં આવી રહ્યો હતો. પરંતુ ટેક્સ બચાવવા માટે કાગળ પર મેરઠના માટૌરની એક બોગસ (નકલી) કંપની બતાવીને ખોટું ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યું હતું. આ કૌભાંડની ગંભીરતાને જોતા હરિયાણાના ડીજીજીઆઈ (DGGI) અને મેરઠના એસઆઈબી (SIB) ના સંયુક્ત કમિશનરને આ કેસ સોંપીને આખા નેટવર્કને તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે.

 

(5:37 PM IST)