<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

GST નંબર રદ કરવાની પ્રક્રિયા સરળ બનીઃ અધિકારીઓની મનમાની નહિ ચાલે

તમામ રિટર્ન ભરાયા હશે તો સિસ્‍ટમ દ્વારા જ નંબર રદ થશે

મુંબઈ,તા.૦૩: જીએસટી નંબર રદ કરવા માટે વેપારીઓએ ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે અધિકારીઓની દાદાગીરીને કારણે નંબર રદ કરવામાં ચારથી છ મહિનાનો સમયગાળો કાઢી નાંખવામાં આવે છે. તેના કારણે વેપારીએ કેટલીક વખત દંડ અને વ્‍યાજ સહિતની પળોજણ ભોગવવી પડે છે. પરંતુ જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં નંબર રદ કરવાની પ્રક્રિયા સિસ્‍ટમ આધારિત કરવાનો સુધારો કરી દેવામાં આવ્‍યો છે. તેના કારણે વેપારીઓને નંબર રદ કરાવવા માટે જે સમસ્‍યાનો સામનો કરવો પડતો હતો તેનું નિરાકરણ આવી જવાનું છે.

વેપારી દ્વારા જીએસટી નંબર રદ કરવા માટે અરજી કરવામાં આવ્‍યા બાદ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતી હતી કે વેપારીનું કોઈ પણ રિટર્ન બાકી છે કે નહીં. કેટલાક કિસ્‍સામાં તમામ રિટર્ન ભરવામાં આવ્‍યા બાદ પણ અધિકારીઓ દ્વારા તાત્‍કાલિક અરજીને મંજૂર કરવાના બદલે વેપારીને પરેશાન કરવામાં આવતા હતા. તેમજ તે અંગેની ફરિયાદ પણ સમયાંતરે ઉઠતી હતી. આ કારણોસર વેપારીએ જ્‍યાં સુધી નંબર રદ નહીં થાય ત્‍યાં સુધી નીલ રિટર્ન ભરવા પડતા હતા. તેમાં પણ એક રિટર્ન ભરવાનું ભૂલી ગયો તો દંડ પણ ભરવાની સ્‍થિતિ સર્જાતી હતી. તેમજ જ્‍યાં સુધી નંબર રદ નહીં થાય ત્‍યાં સુધી વેપારીઓને નવી નવી સમસ્‍યાનો સામનો કરવો પડતો હતો. આ તમામ સમસ્‍યાના નિરાકરણ માટે જીએસટી કાઉન્‍સિલે મહત્ત્વપૂર્ણ સુધારો કર્યો છે. તેમાં વેપારીએ નંબર રદ કરવા માટેની અરજી કરી હશે અને તમામ રિટર્ન ભરવામાં આવ્‍યા હશે તો સિસ્‍ટમ દ્વારા આપોઆપ જ નંબર રદ કરી દેવામાં આવશે. તેના કારણે વેપારીએ અધિકારી પાસે જવું નહીં પડે. જો નંબર રદ કરવા માટેની અરજી કરવામાં આવ્‍યા બાદ રિટર્ન ભરવાના બાકી હશે તો અધિકારી પાસે જવા સિવાય નંબર રદ થશે નહીં. જેથી અરજી કરતા પહેલા વેપારીએ તમામ રિટર્ન ભરેલા હશે તો નંબર રદ કરવાની પ્રક્રિયા ઝડપથી થવાની છે.

(10:29 AM IST)