News of Saturday, 21st November 2026
સુપ્રીમ કોર્ટના જજને બદલે ઓવૈસીને ગાર્ડ ઓફ ઓનર! : સહારનપુરમાં પ્રોટોકોલની મોટી ચૂકથી રાજકીય ગરમાવો
ન્યાયાધીશના આગમન પહેલાં સર્કિટ હાઉસ પહોંચેલા AIMIM પ્રમુખને પોલીસે ભૂલથી આપી સલામી : ચંદ્રશેખર આઝાદ સાથે ગઠબંધન બાદ પહેલી મુલાકાત અને યુપી ચૂંટણીના સમીકરણો વચ્ચે ઘટના ચર્ચામાં

સહારનપુર : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય હલચલ તેજ બની છે ત્યારે સહારનપુરમાં એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટના બની, જ્યાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે તૈયાર રખાયેલું ગાર્ડ ઓફ ઓનર ભૂલથી AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને મળી ગયું. શનિવારે ઓવૈસી સહારનપુર સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે ન્યાયાધીશ હજુ આવ્યા નહોતા, પરંતુ તૈનાત પોલીસકર્મીઓએ ગેરસમજમાં તેમને સલામી આપી દીધી હતી. ઓવૈસીએ પણ ઊભા થઈને સલામી સ્વીકારી અને ત્યારબાદ આગળ વધ્યા હતા, જેના કારણે વહીવટી અને પોલીસ તંત્રની પ્રોટોકોલ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ ઘટના એવા સમયે બની જ્યારે ઓવૈસી આઝાદ સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યા બાદ પહેલી વાર ચંદ્રશેખર આઝાદના છુટમલપુર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમની સાથે બપોરનું ભોજન પણ લીધું હતું. બંને નેતાઓનો જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે મુલાકાતનો કાર્યક્રમ પણ નિર્ધારિત હતો, જ્યારે બીજી તરફ ન્યાયાધીશના આગમનને લઈને સર્કિટ હાઉસ ખાતે સલામીની તૈયારી ચાલી રહી હતી. સમયના તાલમેળ અને સંકલનના અભાવે સર્જાયેલી આ ચૂકે સ્થાનિક સ્તરે અધિકારીઓની કામગીરી અંગે ચર્ચા જગાવી છે.
રાજકીય મોરચે ઓવૈસી અને ચંદ્રશેખર આઝાદનું આ ગઠબંધન ઉત્તર પ્રદેશમાં દલિત-મુસ્લિમ સમીકરણોને નવી દિશા આપવાના પ્રયાસ તરીકે જોવાઈ રહ્યું છે, જેમાં આઝાદને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે આગળ કરાયા છે. મુલાકાત દરમિયાન ઓવૈસીએ આઝમ ખાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં તેમને સ્વાસ્થ્ય સાચવવાની સલાહ આપી હતી અને મુઝફ્ફરનગર રમખાણોના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા. ચૂંટણીના માહોલમાં ગઠબંધનની રાજનીતિ સાથે આ પ્રોટોકોલની ભૂલ પણ હાલ રાજકીય વર્તુળોમાં ખાસ ચર્ચાનો વિષય બની છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
