તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 25th May 2026
રાજૌરીના ગાઢ જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે ગેરિલા યુદ્ધ: સતત ઠેકાણા બદલતા આતંકીઓને કમાન્ડોએ ઘેર્યા
જમ્મુ-કાશ્મીરના દુર્ગમ પહાડી વિસ્તારો અને ગુફાઓની આડમાં છુપાયેલા ૨ થી ૩ આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: વિસ્ફોટો અને અંધાધૂંધ ગોળીબારના અવાજોથી સરહદી ગામોમાં ભારે દહેશત

રાજૌરી: જમ્મુ-કાશ્મીરના સરહદી જિલ્લા રાજૌરીના જંગલો આ દિવસોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેના ભીષણ ગેરિલા યુદ્ધના સાક્ષી બન્યા છે. ગાઢ જંગલો, ધુમ્મસ અને પર્વતીય ભૂપ્રદેશનો લાભ લઈને આતંકીઓ સતત પોતાની સ્થિતિ બદલી રહ્યા છે, જેના કારણે લશ્કરી ઓપરેશન અત્યંત પડકારજનક બન્યું છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ પહેલા ગંભીર ગલી અને માંજાકોટના જંગલોમાં છુપાયેલા હતા, પરંતુ સેનાની ભીંસ વધતાં તેઓ ગુપ્ત રીતે રસ્તાઓ બદલીને 'થા અડ્ડા' નામના નવા વિસ્તારમાં પહોંચી ગયા છે. જોકે, ભારતીય સેના અને સ્થાનિક પોલીસની સ્પેશિયલ ટીમે આ આતંકીઓને પકડવા માટે ચારેયબાજુથી લોખંડી ઘેરાબંધી કરી લીધી છે.
આ હિંસક અથડામણની શરૂઆત ગત શનિવારે થઈ હતી, જ્યારે સેનાના પેટ્રોલિંગ યુનિટે જંગલમાં કુદરતી ગુફાઓ અને મોટા વૃક્ષોની નીચે બનેલા આતંકીઓના એક છુપા અડ્ડાને શોધી કાઢ્યો હતો. તે સમયે થયેલા પ્રારંભિક ગોળીબાર બાદ આતંકીઓ ગાઢ ધુમ્મસનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ સજાગ સૈનિકોએ પીછો છોડ્યો ન હતો. હાલમાં ૨ થી ૩ આતંકવાદીઓ સેનાની કડક ઘેરાબંધીમાં ફસાયેલા છે. બંને તરફથી સમયાંતરે થઈ રહેલા ભારે ગોળીબાર અને મોર્ટારના વિસ્ફોટોથી આખો પહાડી વિસ્તાર ગુંજી ઉઠ્યો છે, જેના કારણે એન્કાઉન્ટર સ્થળની આસપાસના ગામડાઓમાં રહેતા નાગરિકો ભારે ભય અને ગભરાટના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
આતંકવાદીઓના ભાગી જવાના તમામ સંભવિત રસ્તાઓ અને ચોકીઓ પર સેનાએ કમાન્ડો તૈનાત કરી દીધા છે જેથી તેઓ રહેણાંક વિસ્તારો તરફ ન વધી શકે. સ્થાનિક ગ્રામીણોને ઘરની બહાર ન નીકળવાની કડક સૂચના આપવામાં આવી છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રતિકૂળ હવામાન અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં આતંકવાદીઓનો ખાતમો ન થાય ત્યાં સુધી આ સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવશે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
