તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
વૈશ્વિક આર્થિક કટોકટી વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : પેટ્રોલ ડીઝલ અને વિદેશી હૂંડિયામણનો બિનજરૂરી વપરાશ અટકાવવા સરકારી તંત્ર માટે કડક માર્ગદર્શિકા જાહેર કરાઈ : તમામ સરકારી સંસ્થાઓ માટે હુકમ ચુસ્તપણે લાગુ
બિનજરૂરી વિદેશ પ્રવાસો અને જિલ્લા બહારની મુસાફરીઓ પર પ્રતિબંધ : અધિકારીઓએ વધારાના વાહનો જમા કરાવવા પડશે : હવેથી સરકારી કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે વર્ચ્યુઅલ માધ્યમથી જ યોજવા આદેશ : સરકારી કેન્ટીનમાં PNG ફરજિયાત : લોકલ ખરીદી પર ભાર

ગાંધીનગર : સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાને લેતાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્ષચેન્જના (વિદેશી હૂંડિયામણ) વપરાશ અંગે નિયંત્રણો લાદવા માટેના અત્યંત મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, સરકારી નાણાં અને સંસાધનોનો બચાવ કરવા માટે તાત્કાલિક અસરથી કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારના આ આદેશો અંતર્ગત તમામ વિભાગો અને કચેરીઓએ બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો પડશે.
વિદેશ પ્રવાસ પર રોક અને ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ:
નવા નિયમો મુજબ, હવેથી સરકારી કામકાજ માટે માત્ર અત્યંત અનિવાર્ય જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસોનું આયોજન કરી શકાશે. અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રત્યક્ષ મુસાફરી ટાળીને ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવા આધુનિક ઈલેકટ્રોનિક ઉપકરણોનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસ તેમજ વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું અનિવાર્ય સંજોગો સિવાય સંપૂર્ણપણે ટાળવું પડશે. આ ઉપરાંત, અન્ય રાજ્યોમાં કે કેન્દ્ર સરકાર સાથેની બેઠકોમાં પણ ઓનલાઈન માધ્યમથી જ સહભાગી થવાનું રહેશે. જો કોઈ રાજય બહારની મુસાફરી અનિવાર્ય બને, તો ઉચ્ચ અધિકારીઓએ પોતાની સાથે અત્યંત જરૂરી હોય તે સિવાયના તાબાના અન્ય કર્મચારીઓને સાથે રાખવા નહીં. જિલ્લા બહારની મુસાફરી માટે પણ મુસાફરી કરતા પૂર્વે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી હવેથી અનિવાર્ય રહેશે.
વધારાના સરકારી વાહનો જમા લેવાશે - ઇલેક્ટ્રિક વાહનોને અગ્રતા
સરકારી વાહનોના દુરુપયોગ અને ઈંધણનો બગાડ અટકાવવા માટે દરેક વહીવટી વિભાગે પોતાના હસ્તકના વધારાના અને બિનવપરાશના વાહનોને અલગ કરવાના રહેશે. જો કોઈ અધિકારી એકથી વધુ જગ્યાનો એટલે કે બોર્ડ, કોર્પોરેશન કે કંપની વગેરેનો વધારાનો હવાલો સંભાળતા હોય, તો તેઓને મળવાપાત્ર માત્ર એક જ મુખ્ય વાહન રાખી શકાશે અને બાકીના તમામ વાહનો તાત્કાલિક ધોરણે 'સરકારી વાહન પુલ' (Vehicle Pool) માં જમા કરાવી દેવાના રહેશે. જે અધિકારીઓ પાસે વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલની સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) કે હાઇબ્રિડ મોડલ ઉપલબ્ધ હોય, તેઓએ માત્ર EV કે હાઇબ્રિડ મોડલનો જ આગ્રહ રાખવો પડશે. પર્યાવરણની જાળવણી અને ઈંધણ બચાવવા માટે કર્મચારીઓને ખાનગી વાહનો છોડીને મેટ્રો, એસટી બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
કેન્ટીનમાં PNG ફરજિયાત અને લોકલ ખરીદી પર ભાર:
રાજ્ય સરકારના નવા આદેશ મુજબ આગામી ૬ મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. આ સાથે જ, વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે તમામ સરકારી સંસ્થાઓએ ખરીદ નીતિઓ મજબૂત બનાવીને સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદન, MSMEs (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) તેમજ ભારતીય મૂળની સેવાઓને જ પ્રાથમિકતા આપવી પડશે. વૈશ્વિક અસ્થિરતાના કારણે સામાન્ય જનતામાં ગભરાટ ફેલાય નહીં અને બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે ખાસ જનજાગૃતિ અભિયાનો ચલાવવાની સૂચના પણ આપવામાં આવી છે. તમામ સરકારી કાર્યક્રમો અને લોકાર્પણ વિધિઓ ભવ્ય આયોજનોના બદલે સાદગીપૂર્ણ રીતે વર્ચ્યુઅલ કે ઓનલાઈન પદ્ધતિથી કરવા માટે જણાવાયું છે.
તમામ સરકારી સંસ્થાઓ માટે હુકમ ચુસ્તપણે લાગુ
આ પરિપત્રનો અમલ સચિવાલયના તમામ વહીવટી વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, જાહેર સાહસો, મંડળો, નિગમો, સરકારી કંપનીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ મેળવતી તમામ સંસ્થાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે. સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ (બજેટ/સંકલન) ભગવતસિંહ ગોહિલની સહીથી બહાર પાડવામાં આવેલો આ આદેશ ગુજરાતના રાજ્યપાલના હુકમ અને તેમના નામે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ફાઇલ પર સરકાર દ્વારા ૧૮ મે ૨૦૨૬ના રોજ જ મંજૂરી આપી દેવામાં આવી હતી. આ પરિપત્રની નકલ અને જાણ નીચે મુજબના ઉચ્ચ અધિકારીઓ અને વિભાગોને રવાના કરવામાં આવી છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
