<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

નેપાળના વિનાશક પૂરમાં ગુમ થયેલા ૩૦ ગુજરાતીઓની ઓળખ માટે ગુજરાત સરકારની કવાયત તેજ : ૨૯ ગુમ વ્યક્તિઓના પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ NRGF અને NFSU દ્વારા કામગીરી : દેશભરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિર્દેશથી DNA પ્રોફાઇલિંગ નિઃશુલ્ક કરાશે : ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા અને આફ્રિકાના NRGs સાથે પણ સંકલન સાધવામાં આવ્યું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં ગુમ થયેલા ગુજરાતના વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓ (NRG) ને શોધવા તથા તેમની સત્તાવાર ઓળખ માટે રાજ્ય સરકારે હાથ ધરેલી DNA સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. લેટેસ્ટ માહિતી મુજબ, નેપાળમાં પૂર પછી કુલ ૩૦ ગુજરાતીઓ સંપર્ક વિહોણા બન્યા છે. આ ૩૦ લોકોમાંથી ૨૯ ના પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરવાની પ્રક્રિયા ગુજરાત સરકારે પૂર્ણ કરી લીધી છે, જ્યારે બાકી રહેલા એક કેસમાં પણ પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.

માનવ અવશેષોની ઓળખ માટે DNA પ્રોફાઇલિંગ:
અચાનક આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ પામેલા લોકોના મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની સચોટ ઓળખ કરી શકાય તે માટે એકત્રિત કરાયેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ગુમ થયેલા લોકોના પરિવારજનો અને સગાસંબંધીઓને જરૂરી તમામ સહાય અને સંકલન પૂરું પાડી રહી છે. સામાન્ય વહીવટ વિભાગના NRI ડિવિઝન હેઠળ કાર્યરત 'ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન' (NRGF) દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરાઈ રહ્યું છે.

નિઃશુલ્ક DNA પ્રોફાઇલિંગ અને ૬ નિયુક્ત લેબોરેટરીઓ:
ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ, ગુમ થયેલા લોકોના નજીકના (પ્રથમ-સ્તરના) પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ અનુસાર દેશભરમાં નિયુક્ત કરવામાં આવેલી તમામ લેબોરેટરીઓ DNA પ્રોફાઇલિંગની સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક આપશે. ગુજરાતમાં આવી ૬ નિયુક્ત લેબોરેટરીઓ (ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટ) આવેલી હોવાથી રાજ્યના પરિવારોને આ સુવિધા મળી રહી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર, વિદેશ મંત્રાલય (MEA) સાથે સંકલનમાં રહીને DNA સેમ્પલના પ્રોફાઇલિંગ અને નેપાળ ખાતે ચાલી રહેલી ઓળખ પ્રક્રિયાનું સંકલન કરી રહી છે.

વિદેશમાં વસતા NRGs અને પરિવારજનોનું સંકલન:
NRGF દ્વારા દરેક ગુમ થયેલી વ્યક્તિના પરિવારોનો વ્યક્તિગત સંપર્ક કરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા તથા આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનોના કિસ્સામાં NRGF સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલ તથા ઓળખ પ્રક્રિયાની સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યું છે. વિદેશી સત્તાવાળાઓ દ્વારા લેવાયેલા સેમ્પલ અને ભારતમાં તૈયાર થયેલા રિપોર્ટ્સ નેપાળ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ઈમેઈલ અને સંપર્ક નંબરો પર સીધા મોકલવામાં આવી રહ્યા છે.

SEOC, જિલ્લા વહીવટીતંત્ર અને નેપાળ સરકારના સંયુક્ત પ્રયાસો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC), જિલ્લા વહીવટીતંત્ર અને NRGF સંયુક્ત રીતે ગુમ થયેલા લોકોની યાદી તૈયાર કરીને નેપાળ સરકારને સોંપી ચૂક્યા છે. નેપાળ સરકારે ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભોટ કોશી નદી વિસ્તારમાં આવેલા અચાનક પૂરમાં મળી આવેલા મૃતદેહોની ઓળખ માટે આ DNA પ્રોફાઇલિંગ પ્રક્રિયા શરૂ કરી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ અને રાજકોટ સહિતના વિસ્તારોના લોકો ગુમ હોવાના અહેવાલ છે. આ પૈકીના કેટલાક લોકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા. DNA મેચિંગ દ્વારા હવે પરિવારોને તેમના સ્વજનો અંગે સત્તાવાર પુષ્ટિ મળી શકશે.

(3:34 PM IST)