<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

કામના સ્‍થળે શ્રમિકોના મોતમાં ગુજરાત દેશમાં નંબર વન

૫ વર્ષમાં ૧,૦૯૬ હોમાયા! મહારાષ્ટ્ર-તમિલનાડુ પણ પાછળ : શ્રમિકોની સુરક્ષા હજુ એક મોટો પડકાર

અમદાવાદ/નવી દિલ્‍હી,તા.૨૧: અમદાવાદના વસ્‍ત્રાલના રામોલ-ગતરાડ નજીક ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્‍ટરીમાં થયેલા બ્‍લાસ્‍ટની ઘટનામાં નોટનો આંકડો દસ સુધી પહોંચી ગયો છે.  આ મામલે ફેકટરીના માલિક સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્‍યો છે અને એક સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમની પણ રચના કરીને ૧૦ દિવસમાં તપાસ અહેવાલ સોંપવાનો આદેશ આપ્‍યો છે ત્‍યારે આ દરમિયાન કામના સ્‍થળ પર શ્રમિકોના મોતના મામલે સંસદમાં ચોંકાવનારા આંકડા રજૂ થયા છે, જેમાં ગુજરાત રાજ્‍ય દેશમાં ટોપના સ્‍થાને છે.

સંસદના ચોમાસું સત્રના પહેલા જ દિવસે લોકસભામાં સાંસદ રાજકુમાર રોત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન કામકાજના સ્‍થળ પર સર્જાયેલી દુર્ઘટનાઓમાં મૃત્‍યુના આંકડાઓ રજૂ કર્યા હતા. આ આંકડાઓમાં ગુજરાત પ્રથમ સ્‍થાને છે.

 ગુજરાતમાં વર્ષ ૨૦૨૦થી લઈને ૨૦૨૪ સુધીમાં ૧૦૦૦ કરતાં પણ વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્‍યા છે. ગુજરાત રાજ્‍યમાં વર્ષ ૨૦૨૦માં ૨૧૨, ૨૦૨૧માં ૨૩૫, ૨૦૨૨માં ૨૪૦, ૨૦૨૩માં ૨૨૧ અને ૨૦૨૪માં ૧૮૮ શ્રમિકોના મોત નિપજ્‍યાં છે. આમ કુલ ૨૦૨૦થી ૨૦૨૪ સુધીમાં કુલ ૧,૦૯૬ શ્રમિકોએ જીવ ગુમાવ્‍યા છે.

આ મામલે કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રવક્‍તા હિરેન બેંકરે જણાવ્‍યું હતું કે, '૨૦૨૦થી ૨૦૨૪ સુધીના પાંચ વર્ષમાં નોંધાયેલા કારખાનાઓમાં કામદારોના મોતના મામલે ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમાંકે છે. કામદારોના ભોગે ઊભું થયેલું વિકાસ મોડલ કોઈ પણ સંજોગોમાં સ્‍વીકાર્ય નથી. ઔદ્યોગિક રીતે અગ્રણી ગણાતા મહારાષ્ટ્ર કરતાં પણ ગુજરાતમાં આ પાંચ વર્ષોમાં ૨૩૭ વધુ કામદારોના મોત થયા છે તેવો આક્ષેપ કર્યો હતો.'

કામકાજના સ્‍થળ પર સર્જાયેલી દુર્ઘટનાઓમાં મૃત્‍યુના રાજ્‍યવાર આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે છે. મહારાષ્ટ્રમાં ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ૮૫૯ શ્રમિકોના મોત થયા છે. ત્‍યાર બાદ તમિલનાડુના આ યાદીમાં ત્રીજા સ્‍થાને છે, જ્‍યાં ૭૧૫ શ્રમિકોના મોત થયા છે. ઓડિશામાં શ્રમિકોના મોતનો આંકડો ૪૩૭ પર છે.

(10:54 AM IST)