<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

આઈપીએલ ૨૦૨૬માં ગુજરાત ટાઇટન્સનો ઐતિહાસિક રન ચેઝ : ક્વોલિફાયર-૨માં રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે કચડીને ફાઇનલમાં ભવ્ય પ્રવેશ : રાજસ્થાન ટુર્નામેન્ટમાંથી બહાર

કેપ્ટન શુભમન ગિલની આક્રમક સદી અને સાઈ સુદર્શનની અડધી સદીના જોરે ગુજરાતે ૨૧૫ રનનો પહાડ જેવો લક્ષ્યાંક ૮ બોલ બાકી રાખીને આંબ્યો : ૩૧ મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાશે મહાજંગ

મુલ્લાંપુર: આઈપીએલ (IPL) ૨૦૨૬ ની સીઝન તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે ત્યારે શુક્રવારે રમાયેલા બીજા ક્વોલિફાયર મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે અદભુત રમતનું પ્રદર્શન કરીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. મુલ્લાંપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે કરારી હાર આપીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું છે. રાજસ્થાન રોયલ્સે આપેલા ૨૧૫ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતે માત્ર ૧૮.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૨૧૯ રન બનાવી એક ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો. આ જીત સાથે જ હવે આગામી ૩૧ મેના રોજ અમદાવાદના નરેન્દ્ર ભાઈ મોદી સ્ટેડિયમ ખાતે રમાનારા ભવ્ય ફાઇનલ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થશે.
રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે બે વાર સિક્કો ઉછળાવી ટોસ જીત્યો:
મેચની શરૂઆતમાં એક રસપ્રદ ઘટના ઘટી હતી, જેમાં ટોસ પ્રક્રિયા માટે બે વખત સિક્કો ઉછાળવો પડ્યો હતો. પ્રથમ પ્રયાસ વખતે રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગની કૉલ કોઈ સાંભળી શક્યું નહોતું. બીજી વાર સિક્કો ઉછળાતા રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હવામાન વિભાગે વરસાદની આશંકા વ્યક્ત કરી હોવા છતાં મુલ્લાંપુરની બેટિંગ ફ્રેન્ડલી પિચ પર રનનો વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાતે પોતાની ટીમમાં એક ફેરફાર કરી આર. સાઈ કિશોરને સ્થાન આપ્યું હતું, જ્યારે રાજસ્થાને કોઈ બદલાવ કર્યો નહોતો.
વૈભવ સૂર્યવંશી ફરી નર્વસ નાઇન્ટીઝનો શિકાર, ફરેરા અને જાડેજાની તોફાની બેટિંગ:
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ ઓપનર યશસ્વી જયસ્વાલ ૧ રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો, જ્યારે ધ્રુવ જુરેલ ૭ રન બનાવી કગિસો રબાડાની બોલિંગમાં આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન રિયાન પરાગ ૧૧ રન અને દસુન શનાકા ૩ રન બનાવી સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જોકે, ઓપનર વૈભવ સૂર્યવંશીએ એક છેડો સાચવી રાખીને ૪૭ બોલમાં ૮ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૯૬ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, પરંતુ કગિસો રબાડાએ તેને આઉટ કરતા તે સતત બીજી વાર સદી ચૂક્યો હતો. રવીન્દ્ર જાડેજાએ ૩૫ બોલમાં અણનમ ૪૫ રન બનાવ્યા હતા, જ્યારે આઠમા ઓવર પછી તે થોડીવાર માટે રિટાયર્ડ હર્ટ પણ થયો હતો. ઇનિંગની છેલ્લી ઓવરમાં ડોનોવન ફરેરાએ રાશિદ ખાનની બોલિંગમાં ૪ આકાશી છગ્ગા ફટકારીને માત્ર ૧૧ બોલમાં અણનમ ૩૮ રનની તોફાની ઇનિંગ રમી રાજસ્થાનનો સ્કોર ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૪ રન સુધી પહોંચાડ્યો હતો. જોફ્રા આર્ચરે ૭ રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત માટે કગિસો રબાડા અને જેસન હોલ્ડરે ૨-૨ વિકેટો ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને ૧-૧ સફળતા મળી હતી.
શુભમન ગિલની શાનદાર સદી અને સાઈ સુદર્શન વચ્ચે ૧૬૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ:
૨૧૫ રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમને કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને ધમાકેદાર શરૂઆત અપાવી હતી અને પાવરપ્લેમાં જ વિના વિકેટે ૬૯ રન જોડી દીધા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૧૬૭ રનની મજબૂત અને નિર્ણાયક ભાગીદારી થઈ હતી. સાઈ સુદર્શન ૩૨ બોલમાં ૫૮ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલે શાનદાર બેટિંગ જાળવી રાખતા માત્ર ૫૩ બોલમાં ૧૦૪ રનની કેપ્ટનશીપ ઇનિંગ રમી ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. વોશિંગ્ટન સુંદરે ૯ બોલમાં ઝડપી ૧૬ રન બનાવીને ૮ બોલ બાકી રહેતા જ ટીમને જીત અપાવી દીધી હતી.
બંને ટીમોનો ફાઇનલ સ્કોર:
  રાજસ્થાન રોયલ્સ (RR): ૨૧૪/૬ (૨૦ ઓવર)
  ગુજરાત ટાઇટન્સ (GT): ૨૧૯/૩ (૧૮.૪ ઓવર)
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન:
  ગુજરાત ટાઇટન્સ: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, કગિસો રબાડા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજ.
  રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા.

 

(11:37 PM IST)