તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
ગુજરાત ટેકનોલોજીના ક્ષેત્રે પણ દેશનું નેતૃત્વ કરશે : અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ તથા ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’નું ભવ્ય લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ : વૈષ્ણોદેવી સર્કલ નજીક ૬૫ એકરમાં વિકસતા પ્રોજેક્ટથી ૭૦ હજારથી વધુ ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીનું સર્જન થશે : એઆઈ, રોબોટિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે સંશોધનને મળશે વેગ

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ ખાતે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ તથા ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ગુજરાતે આઝાદી સમયથી દેશનું નેતૃત્વ કર્યું છે, તેવી જ રીતે ટેકનોલોજીના ક્ષેત્રે પણ ગુજરાત દેશનું નેતૃત્વ કરશે. તેમણે ઉમેર્યું કે ગુજરાતીઓના ડીએનએમાં ડેવલપમેન્ટ વણાયેલું છે. આજે લોકાર્પણ કરાયેલા આ બંને પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબથી આગળ વધારી વૈશ્વિક સેવા અને ટેક્નોલોજી ક્ષેત્રમાં અગ્રેસર રાજ્ય બનાવવાના વિઝનને નવી દિશા આપશે.
ગુજરાતને સર્વિસ સેક્ટરમાં ટોપ થ્રીમાં લાવવાની નેમ:
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ગુજરાતને સર્વિસ સેક્ટરમાં દેશના ટોચના ત્રણ રાજ્યોમાં લાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતે આર્થિક ગતિવિધિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ દ્વારા રાજ્યમાં હજારો યુવાનો માટે ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીની નવી તકો ઊભી થશે. આ ટેક પાર્કમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), રોબોટિક્સ, સેમિકન્ડક્ટર સહિતના અદ્યતન ક્ષેત્રોમાં સંશોધન, નવીનતા અને ટેક્નોલોજી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે, જે રાજ્યમાં વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી ઇકોસિસ્ટમ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. વૈષ્ણોદેવી સર્કલ નજીક અમદાવાદ-ગિફ્ટ સિટી-ગાંધીનગર હાઈ ગ્રોથ કોરિડોરમાં આશરે ૬૫ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલી આ ટેક સિટીમાં ગ્રેડ-એ ઓફિસ સ્પેસ, રહેણાંક સુવિધાઓ, રિટેલ અને હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ દ્વારા આશરે ૭૦ હજારથી વધુ ઉચ્ચ કુશળતા ધરાવતી રોજગારીનું સર્જન થશે.
આ સાથે જ ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યાવસાયિકતા અને આધુનિકતા લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સંસ્થામાં આધુનિક અર્બન પ્લાનિંગ, ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમો તથા વૈશ્વિક ધોરણોને અનુરૂપ તાલીમ દ્વારા કુશળ માનવસંસાધન તૈયાર કરવામાં આવશે. વિશિષ્ટ સંસ્થાઓ અને ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ રાજ્યને વૈશ્વિક અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવામાં સહાયક બનશે.
આઈટી, ઇનોવેશન અને ટેકનોલોજી આધારિત ગુજરાત ૨.૦ નું સ્વપ્ન સાકાર થશે:
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિકાસની રાજનીતિને રાષ્ટ્રીય વિચારધારામાં પરિવર્તિત કરી છે. ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, પોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી, ફાર્મા અને રોકાણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને હવે રાજ્ય વિકાસના નવા તબક્કામાં આઈટી, ઇનોવેશન અને ટેકનોલોજી આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. ડિજિટલ ઇકોનોમી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમીકન્ડક્ટર, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને નોલેજ બેઝ્ડ સર્વિસીસ ક્ષેત્રે ગુજરાત ૨.૦ નું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ-ધોલેરા વચ્ચે આશરે રૂપિયા ૨૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ પામનારી દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટી અને ધોલેરા આગામી સમયમાં ગુજરાતના આર્થિક વિકાસના શક્તિશાળી એન્જિન બનશે. કોમનવેલ્થ ગેમ્સ માટે વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અમદાવાદ વૈશ્વિક શહેર તરીકે ઉભરી રહ્યું છે. તેમણે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ આધુનિક પ્રકલ્પ માટે ગણેશ ગ્રુપના ચેરમેન દીપકભાઈ પટેલ તથા એમડી શેખરભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
રોકાણકારો માટે ગુજરાત સંપૂર્ણ તૈયાર: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી:
કાર્યક્રમમાં યોજાયેલ પેનલ ડિસ્કશનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આવનારો સમય ગુજરાતનો છે અને દેશ-વિદેશમાંથી આવતા રોકાણકારો તથા ઉદ્યોગો માટે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે. ગિફ્ટ સિટી આગામી સમયમાં વૈશ્વિક સ્તરની અનેક મોટી કંપનીઓનું કેન્દ્ર બનવાનું છે. ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક વિકાસમાં જ નહીં પરંતુ ટેક્નોલોજી, નાણાકીય સેવાઓ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે ગણેશ હાઉસિંગ લિમિટેડના ચેરમેન દીપકભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શેખરભાઈ પટેલ, અનમોલભાઈ પટેલ સહિત દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
