તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 15th September 2026
ગુજરાત બોલશે ખાલીસ્તાન ઝિંદાબાદ : રાજકોટ કોર્ટ, સિક્કા બંદર, ન્યારા રિફાઇનરી, મહાત્મા મંદિરમાં ડ્રોન હુમલાની ધમકી
રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને બાર એસોસિએશનને ‘ખાલીસ્તાની સંગઠન'ના નામે ધમકીભર્યો ઇ-મેઇલ મોકલાયોઃ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા જામનગર, દેવભુમિ દ્વારકા, ગાંધીનગર જીલ્લા પોલીસને પણ જાણ કરવામાં આવી : ઇ-મેઇલમાં લખાયું મોદી-શાહની સરકારનો અંત લાવવા હવે ડ્રોન આઇઇડી વડે ધમાકા થશેઃ વાડીનાર પોર્ટથી ન્યારા રીફાઇનરી, સિક્કા પોર્ટથી જામનગર સુધી, મહાત્મા મંદિરમાં ડ્રોન-આઇફોન બેટરીથી બોમ્બ ધમાકા કરવાની ધમકીઃ ઇ-મેઇલમાં કેનેડાના બબ્બર ખાલસા સંગઠનના નેતાઓના પણ નામ લખાયા : એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરીની ટીમ તેમજ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ક્યુઆરટી દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે ચેકીંગ કરાયું

રાજકોટ ડીસ્ટ્રીક્ટ કોર્ટને ઇ-મેઇલથી ધમકી મળતાં શહેર એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી અને ટીમે તથા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્યુઆરટીની ટીમે કોર્ટ ખાતે પહોંચી તપાસ કરી હતી (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૫: રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને રાજકોટ બાર એસોસિએશનના અધિકળત ઇ-મેઈલ આઈડી પર બોમ્બ ધમાકાની ધમકી આપતો એક અનામી ઇ-મેઈલ મળતા કોર્ટમાં અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઇ-મેઈલમાં ગુજરાતના બંદરો, રિફાઇનરીઓ અને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સેન્ટરને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. શહેર પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ કોર્ટને ઇ-મેઇલ મળ્યો હોઇ જે જે સ્થળોનો ઉલ્લેખ છે તે જીલ્લાઓની પોલીસને જાણ કરી દેવામાં આવી છે. તેમજ રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસ સ્ટાફે પહોંચી ચેકીંગ હાથ ધર્યુ હતુ.
આ ઇ-મેઇલમાં રાજકોટ કોર્ટ બપોરે ૩:૧૧ યુક્રેનિયન મોડલના ડ્રોન...એવો ઉલ્લેખ છે. જો કે બ્લાસ્ટ થશે તેવો કોઇ ઉલ્લેખ નથી. આ ઉપરાંત મહાત્મા મંદિર (ગાંધીનગર) ખાતે ૧૫ અને ૧૬ સપ્ટેમ્બરે આઇફોન બેટરીથી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેવી પણ ધમકી ઇ-મેઇલથી અપાઇ છે. આ ઉપરાંત વાડિનાર પોર્ટ, સિક્કા પોર્ટ, ન્યારા રિફાઇનરી અને જામનગર વિસ્તારમાં ડ્રોન આઇઇડી હુમલા અને ૧૮ સપ્ટેમ્બરથી વધુ આક્રમક હુમલા કરવાની ચેતવણી અપાઇ છે.
આ ઇ-મેઇલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી અને બબ્બર ખાલસા નામના સંગઠનોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકીભર્યો ઈમેઈલ મળતા જ બાર એસોસિએશન અને કોર્ટ દ્વારા શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. આ મામલે સાયબર સેલ દ્વારા ઈમેઈલનાસ્ત્રોત-આઇપી એડ્રેસ અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.
ગુજરાતના મહત્વના અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવીને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ડિસ્ટ્રિક્ટ કોર્ટને મળેલા એક ર્ ઇમેઇલમાં અપાઇ હતી. જેમાં ન્યારા રિફાઇનરી, સિક્કા પોર્ટ અને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પણ બોમ્બ ધમાકો થશે તેવી ધમકી અપાઇ હતી. આ ધમકીભર્યો ઇમેઇલ મળતાની સાથે જ રાજકોટ સિટી પોલીસ કંટ્રોલ રૂમને તેની જાણ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ત્વરિત પગલાં રૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ, ગાંધીનગર જિલ્લા પોલીસ અને જામનગર જિલ્લા પોલીસને પણ ઇમેઇલ તેમજ ફોન દ્વારા તાત્કાલિક ધોરણે એલર્ટ કરવામાં આવ્યા છે.
ધમકીની વિગતો મળતાની સાથે જ સંબંધિત જિલ્લાઓની પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ ડોગ સ્કવોડ અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. ન્યારા રિફાઇનરી, સિક્કા પોર્ટ તેમજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સુરક્ષા તપાસ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા તમામ સંવેદનશીલ સ્થળો પર સઘન પેટ્રોલીંગ અને આવનારા વાહનો તથા વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી હતી. અગાઉ પણ રાજકોટ કોર્ટને ઉડાવી દેવાની આવી ધમકી ભર્યા ઇ-મેઇલ મળ્યા હતાં. ત્યારે એસઓજી, બોમ્બ સ્ક્વોડે તપાસ કરી હતી. આ વખતે મળેલા ઇ-મેઇલમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટ એટધરે૩:૧૧પીએમ યુક્રેન વર્ગે ડ્રોન નાલ. એવુ પણ લખેલું છે. રાજકોટ શહેર પોલીસ સાયબર ક્રાઇમ દ્વારા ઇ-મેઇલ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. આજે કોર્ટમાં રજા હોઇ બાર એસોસિએશનના ઇ-મેઇલ આઇડી ઉપર પણ આ ધમકી ભર્યો મેઇલ મળતાં તુરત જ પોલીસને જાણ કરી હતી. રાજકોટ પોલીસે પણ ઇ-મેઇલમાં મળેલી ધમકીને પગલે તકેદારીના ભાગ રૂપે કોર્ટમાં તપાસ કરવામાં આવી હતી.
એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરીએ જણાવ્યું હતું કે ઇ-મેઇલને પગલે શહેર એસઓજીની ટીમે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તેમજ ક્યુઆરટીની ટીમોને સાથે રાખી કોર્ટના ખુણેખુણા ચેક કર્યા હતાં. પણ કંઇ શંકાસ્પદ મળી આવ્યું નથી.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
