તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
કર્ણાટકમાં ગુજરાતી હસ્તકલાની બોલબોલાઃ ૭ દિ'માં ૧ કરોડથી વધુની વસ્તુઓનું વેચાણ
મૈસુરમાં ગુજરાતની કલા સંસ્કૃતિનો શાનદાર સંગમ

મૈસુર-કર્ણાટકમાં ગુજરાત હસ્તકલા ઉત્સવને સતત ૧૧મા વર્ષે પણ ભવ્ય સફળતા મળી છે. માત્ર ૭ દિવસમાં રૂ. ૧ કરોડથી વધુનું અભૂતપૂર્વ વેચાણ - ગુજરાતની કલા-સંસ્કૃતિનો મૈસુરમાં ગૌરવમય ડંકો વાગ્યો છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇન્ડસ્ટ્રિયલ એક્સ્ટેન્શન કોટેજ (ઇન્ડેક્ષ્ટ-સી) દ્વારા જે.એસ.એસ. મૈસુર અર્બન હાટ, મૈસુર (કર્ણાટક) ખાતે તા. ૩ થી ૧૨ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ‘‘ગુજરાત હતકલા ઉત્સવ-૨૦૨૬''નું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્સવનું ઉદઘાન ટેક્સટાઇલ ડેવલપમેન્ટ કમિશનર તથા ડિરેક્ટર, હેન્ડલૂમ એન્ડ ટેક્સટાઇલ્સ વિભાગ, કર્ણાટક સરકારના શ્રી એ.બી. બસવરાજુ, આઈ.એ.એસ.ના કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડેક્ષ્ટ-સીના શ્રી કે.એસ. ટેલર, જનરલ મેનેજર (હાટ) તથા જોઈન્ટ કમિશનર,જે.એસ.એસ. સંસ્થાના અધિકારીઓ, ઇન્ડેક્ષ્ટ-સીના અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મૈસુર ખાતે વર્ષ ૨૦૧૬થી સતત સફળતાપૂર્વક યોજાતા આ ઉત્સવની આ ૧૧મી આવૃત્તિ છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનો મુખ્ય હેતુ ગુજરાતના પરંપરાગત હસ્તકલા અને હાથશાળ કારીગરોને સીધું બજાર ઉપલબ્ધ કરાવવાનો, તેમની આવકમાં વધારો કરવાનો તેમજ રોજગારીની તકોને વિસ્તૃત કરવાનો છે.
આ વર્ષે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ૧૦૦થી વધુ સ્ટોલમાં કારીગરોએ પોતાની હસ્તનિર્મિત કૃતિઓનું પ્રદર્શન તથા વેચાણ માટે રજૂઆત કરી છે. ઉત્સવમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વૈવિધ્યસભર હસ્તકલાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
મૈસુરની જનતાના અભૂતપૂર્વ પ્રતિસાદના પરિણામે ૧૦ દિવસના ઉત્સવમાં માત્ર પ્રથમ ૭ દિવસમાં જ રૂ. ૧ કરોડથી વધુનું અભૂતપૂર્વ વેચાણ નોંધાયું છે, જે ગુજરાતના હસ્તકલા કારીગરો માટે અત્યંત પ્રેરણાદાયી સિદ્ધિ છે.
ઉત્સવના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી રાસ, ગરબા અને ટીપણી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં મૈસુરવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગુજરાતી સંસ્કૃતિના રંગે રંગાઈ ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા.
ઉત્સવને શૈક્ષણિક પરિમાણ પણ આપવામાં આવ્યું છે. જે.એસ.એસ. હસ્તકલા શાળાઓ, મા અમૃતમ મહાવિદ્યાલય તેમજ વિવિધ ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના ૧,૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક મુલાકાતોનું આયોજન કરવામાં આવ્યું હતું. કારીગરોએ દરરોજ સવારે ૧૦:૦૦થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી ૧૦થી ૨૦ વિદ્યાર્થીઓના જૂથોને વિવિધ હસ્તકલાઓની પ્રાયોગિક તાલીમ આપી હતી. ઉપરાંત, લગભગ ૫૦ મુક-બધિર વિદ્યાર્થીઓને મેળામાં ભાગ લેનાર મુક-બધિર કારીગરો દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જે ઉત્સવનું એક અનોખું અને પ્રેરણાદાયી પાસું રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મૈસુર હાટ ખાતે યોજાયેલા આ સમગ્ર ઉત્સવનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના ‘‘એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સંજય જોષી, આઈ.એ.એસ.ના માર્ગદર્શન હેઠળ સુવ્યવસ્થિત આયોજન અને અસરકારક સંકલન દ્વારા કરવામાં આવ્યું છે. ઇન્ડેક્ષ્ટ-સીના માધ્યમથી ગુજરાતની હસ્તકલાનું સંરક્ષણ, સંવર્ધન અને કારીગરોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને સફળ બનાવવા બદલ શ્રી મોહમ્મદ શાહિદ, આઈ.એ. એસ., ચેરમેન, ઇન્ડેક્ષ્ટ-સી તથા અગ્ર સચિવ અને કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર દ્વારા તમામ કારીગરો, અધિકારીઓ અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ઉત્સવ સ્થળઃ ગુજરાત હસ્તકલા ઉત્સવ-૨૦૨૬,તારીખઃ ૩ થી ૧૨ જુલાઈ, સ્થળઃ જે.એસ.એસ. મૈસુર અર્બન હાટ, રિંગ રોડ, હેબ્બલ ઔદ્યોગિક વિસ્તાર, મૈસુર, કર્ણાટક,સમય દરરોજ સવારે ૧૦::૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી પ્રવેશ અને પાર્કિંગઃ વિનામૂલ્યે છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
