<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

અમેરિકામાં સ્થાયી થયેલી ગુજરાતી પરિણીત મહિલાની સ્ટોરની અંદર ગોળી મારીને હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતી પરિવારને પોતાની વ્હાલસોયી દીકરી અને પત્ની ગુમાવવાનો વારો આવ્યો:મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની વતની હતા

અમેરિકા ગયેલા વધુ એક ગુજરાતી પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી અને પત્ની ગુમાવવાનો વારો આવ્યો છે. મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની વતની અને અમેરિકામાં સ્થાયી થયેલી એક પરિણીત મહિલાની સ્ટોરની અંદર જ ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી જંત્રાલ ગામ સહિત સમગ્ર ગુજરાતમાં અને અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

 

મળતી માહિતી મુજબ, વિજાપુરના જંત્રાલ ગામની દીકરી અમેરિકામાં એક સ્ટોર પર હાજર હતી, તે સમયે મોઢે માસ્ક બાંધેલો એક અજાણ્યો શખ્સ લૂંટ ચલાવવાના ઈરાદા સાથે સ્ટોરમાં પ્રવેશ્યો હતો. હજી કોઈ કંઈ સમજે તે પહેલાં જ આ માસ્કધારી શખ્સે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અજાણ્યા માસ્કધારી શખ્સે ગુજરાતી મહિલાને નિશાન બનાવીને ગોળીઓ ધરબી દીધી હતી. ગોળી વાગવાને કારણે ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ક્રૂર હુમલાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. 

 

આ હત્યાની ચકચારી ઘટના સ્ટોરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં માસ્કધારી શખ્સ હાથમાં હથિયાર સાથે અને ફાયરિંગ કરતો સ્પષ્ટ જોઈ શકાય છે. સ્થાનિક અમેરિકન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને CCTV ફૂટેજના આધારે હત્યારાને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(11:40 PM IST)