તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
ગુજરાતની મહત્ત્વાકાંક્ષી 'કલ્પસર પરિયોજના'ને મળશે નવી ઊંચાઈ : ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટેકનિકલ સહયોગ અંગેના દ્વિપક્ષીય MoU સંપન્ન
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નેધરલેન્ડ્સના વાઇસ મિનિસ્ટર જાપ સ્લૂટમેકરની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર : નેધરલેન્ડ્સની ડેલ્ટેરેસ અને ડેલ્ફ્ટ યુનિવર્સિટી કલ્પસર માટે પૂરી પાડશે ઇજનેરી ક્ષમતા

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં જળ સુરક્ષા અને પરિવર્તનકારી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં ગુજરાતની બહુપ્રતીક્ષિત અને અત્યંત મહત્ત્વાકાંક્ષી ‘કલ્પસર પરિયોજના’ને સાકાર કરવાના દિશા-નિર્દેશ સાથે એક સીમાચિહ્નરૂપ સફળતા પ્રાપ્ત થઈ છે.
૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત ૯મા ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક’ (IIWW 2026) દરમિયાન ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે કલ્પસર પરિયોજના માટે ટેકનિકલ સહયોગ અને ક્ષમતાવર્ધન અંગેના મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સમજૂતી કરારો (MoU) સંપન્ન થયા છે. આ કરાર અંતર્ગત કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય, ગુજરાત સરકાર તેમજ નેધરલેન્ડ્સની વિશ્વપ્રસિદ્ધ જળ સંશોધન સંસ્થા ‘ડેલ્ટેરેસ’ અને ‘ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી’ સંયુક્ત રીતે પ્રોજેક્ટના વિવિધ ટેકનિકલ પાસાઓ, સર્વેક્ષણ અને નિર્માણ કાર્યો પર આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે, મે ૨૦૨૬માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન કલ્પસર પરિયોજના અંગે ટેકનિકલ સહયોગ માટેના 'લેટર ઓફ ઇન્ટેન્ટ' (LoI) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને હવે આ બે ત્રિપક્ષીય MoU દ્વારા દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત વ્યવહારિક માળખું પ્રાપ્ત થયું છે.
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નેધરલેન્ડ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ વિભાગના વાઇસ મિનિસ્ટર જાપ સ્લૂટમેકરની સહ-અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વૈશ્વિક સહયોગ અંતર્ગત કલ્પસર યોજના માટે હાઇડ્રોલિક અને હાઇડ્રોલોજિકલ મોડેલિંગ, દરિયાકાંઠા અને માળખાકીય ઇજનેરી, આબોહવા પરિવર્તન સામે સ્થિતિસ્થાપકતા, ટેકનિકલ સમીક્ષા, ડિજિટલ તકનીક, તાલીમ અને ક્ષમતાવર્ધન ક્ષેત્રે નિષ્ણાતી જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવશે. બંધ નિર્માણ અને દરિયાઈ વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે નેધરલેન્ડ્સ પાસે સદીઓનો બહોળો અનુભવ ઉપલબ્ધ છે, જેનો સીધો લાભ ગુજરાતને મળશે.
ખંભાતના અખાતમાં મીઠા પાણીના વિશાળ સરોવરના નિર્માણથી સમગ્ર ગુજરાતને પીવાના પાણી અને સિંચાઈની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. સાથે જ, આ પરિયોજનાથી પરિવહન, કૃષિ, ઔદ્યોગિકીકરણ અને રાજ્યના સર્વાંગી આર્થિક વિકાસને અભૂતપૂર્વ ઝડપ પ્રાપ્ત થશે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
