<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની હરણફાળ યથાવત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સુરતમાં અત્યાધુનિક OSAT પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદનનો શુભારંભ

સુરતના પલસાણા ખાતે સ્થપાયેલા સૂચિ સેમિકોનના પ્લાન્ટમાં વાર્ષિક ૧૦૩.૩૨ કરોડ ચિપ્સનું થશે ઉત્પાદન : ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મળશે નવી ગતિ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે પોતાની અગ્રણી સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬’ કાર્યક્રમ દરમિયાન ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલા સૂચિ સેમિકોનના અત્યાધુનિક સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ (OSAT) પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્લાન્ટ કાર્યરત થવાથી ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન અને સપ્લાય ચેઇનનું વિશ્વસનીય કેન્દ્ર બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને બળ મળશે તથા ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને નવી ગતિ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને સુદ્રઢ બનાવવા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

₹૮૬૮ કરોડનું રોકાણ અને ઉત્પાદન ક્ષમતા:
ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત મે ૨૦૨૬માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટમાં અંદાજે ₹૮૬૮ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧,૦૩૩.૨૦ મિલિયન એટલે કે ૧૦૩.૩૨ કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સની છે. પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું એસેમ્બલી, અદ્યતન પેકેજિંગ અને પરીક્ષણ કરવામાં આવશે, જેમાં SOIC, QFN તથા એડવાન્સ્ડ IC પેકેજિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

ચિપ્સનો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ:
અહીં તૈયાર થનારી ચિપ્સનો ઉપયોગ પાવર ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિક વાહનો, ઔદ્યોગિક ઓટોમેશન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ તથા ઊર્જા અને વીજ વ્યવસ્થાપન માટેના ઉપકરણોમાં કરવામાં આવશે.

વૈશ્વિક ટેકનોલોજી સહયોગ અને નિકાસ:
આ સુવિધામાં ઉચ્ચ ગુણવત્તાના ક્લીનરૂમ કાર્યરત કરાયા છે અને કંપનીએ પોતાનું પ્રથમ કન્ઝ્યુમર શિપમેન્ટ ભારત બહાર પણ મોકલી આપ્યું છે. અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક ધોરણો અપનાવવા માટે સૂચિ સેમિકોને જાપાનની અગ્રણી કંપની ROHM સેમિકન્ડક્ટર સાથે ટેક્નોલોજીકલ સહયોગ કર્યો છે.

ગુજરાત બન્યું સેમિકન્ડક્ટર હબ:
સૂચિ સેમિકોનના પલસાણા પ્લાન્ટથી રાજ્યની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ સશક્ત બનશે. ધોલેરા ખાતે ટાટા–PSMC સેમિકન્ડક્ટર ફેબ, સાણંદમાં માઈક્રોન, સીજી સેમિ અને કેઈન્સ સેમિકોનના પ્રોજેક્ટ્સ બાદ હવે સુરત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રણી ભૂમિકા નિભાવશે. સૂચિ સેમિકોને આ સફળતા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે તથા ટેકનોલોજી, કૌશલ્ય, સ્થાનિક સપ્લાય ચેઇન અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સહયોગથી મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

(12:36 PM IST)