News of Friday, 22nd May 2026
સોશિયલ મીડિયા પર ધ્રુવ રાઠી વિરુદ્ધ ગુલ પનાગનો ‘વાકયુદ્ધ’ સંગ્રામ: પીએમ મોદીના અપમાન પર અભિનેત્રી લાલઘુમ, કહ્યું- "વડાપ્રધાન પદ દેશની ગરિમા છે, વિદેશી ધરતી પર તમાશો ન બનાવો!"
નોર્વેના પત્રકારના સવાલ પર યુટ્યુબર ધ્રુવ રાઠીએ ઝેર ઓક્યું તો પૂર્વ આપ (AAP) નેતા અને એક્ટ્રેસ ગુલ પનાગે ક્લાસ લીધો; નેટીઝન્સ પણ બે જૂથમાં વહેંચાયા

નવી દિલ્હી, તા.૨૨: જાણીતા યુટ્યુબર અને રાજકીય વિશ્લેષક ધ્રુવ રાઠી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી એક અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ અને ગરમ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. જોકે, આ વખતે બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ રાજકારણી ગુલ પનાગે ધ્રુવ રાઠીના આ વલણની આકરી આલોચના કરીને તેને અરીસો બતાવ્યો છે, જેના કારણે ઇન્ટરનેટ પર જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નોર્વેના એક પત્રકારે વડાપ્રધાન મોદીએ વર્ષોથી કોઈ ઔપચારિક (ફોર્મલ) પ્રેસ કોન્ફરન્સ કેમ નથી યોજી, તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ધ્રુવ રાઠીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને વિદેશી મીડિયાને પીએમ મોદી વિદેશ પ્રવાસે જાય ત્યારે વધુ અઘરા સવાલો પૂછવા ઉશ્કેર્યા હતા. રાઠીએ પોતાના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું કે, "મોદી જ્યાં પણ જાય ત્યાં અપમાનિત થવાને જ પાત્ર છે. વડાપ્રધાન બન્યા પછીના ૧૨ વર્ષમાં તેમણે એક પણ પ્રેસ કોન્ફરન્સ આપી નથી. આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેમને એટલા મુશ્કેલ પ્રશ્નો પૂછવા જોઈએ કે તેઓ જનતા સામે જવાબદારી બતાવવા મજબૂર થાય."
ગુલ પનાગનો સણસણતો જવાબ: ‘ટીકા ઠીક છે, અપમાન નહીં’
ધ્રુવ રાઠીની આ 'અપમાનજનક' ભાષા જોઈને અભિનેત્રી ગુલ પનાગ પોતાના પર કાબૂ રાખી શકી નહીં. તેણે રાઠીની પોસ્ટને રી-શેર કરીને તેના અહંકારી સ્વર અને નકારાત્મક અભિગમ સામે સખત અસંમતિ વ્યક્ત કરી હતી. ગુલે લખ્યું, "આ બિલકુલ કૂલ નથી! તમે વડાપ્રધાનને નાપસંદ કરી શકો છો, સરકારની નીતિઓ સાથે અસંમત થઈ શકો છો, વિરોધ પ્રદર્શન કરી શકો છો અને ચૂંટણીમાં અલગ વ્યક્તિને વોટ પણ આપી શકો છો. લોકશાહી આનું જ નામ છે."
તેણે આગળ ધ્રુવ રાઠીને દેશભક્તિનો પાઠ ભણાવતા લખ્યું કે, "પરંતુ ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, તે પદ પર બેઠેલી વ્યક્તિ અને વિદેશમાં તેઓ જે આખા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે છે, તેને વિદેશી ધરતી પર આ રીતે મજાકનું સાધન બનાવવું, મને યોગ્ય અસંમતિ લાગતી નથી. આ પ્રકારનું કૃત્ય વડાપ્રધાનને કે સંસ્થાને જ નહીં, પરંતુ આખરે આપણા આખા દેશની ગરિમાને ઠેસ પહોંચાડે છે." ગુલ પનાગના આ સંતુલિત અને રાષ્ટ્રવાદી વલણને સોશિયલ મીડિયા પર લોકો હાથોહાથ લઈ રહ્યા છે.
બે જૂથોમાં વહેંચાયું ઇન્ટરનેટ
આ વિવાદ સામે આવતા જ ઇન્ટરનેટ પર યુઝર્સ સામસામે આવી ગયા છે. પીએમ મોદીના સમર્થકો ગુલ પનાગની પ્રશંસા કરતા લખી રહ્યા છે કે, "તમને નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે નાપસંદ હોઈ શકે, પણ દેશના કરોડો લોકોએ તેમને લોકશાહી ઢબે ચૂંટ્યા છે, વિદેશમાં જઈને પોતાના જ દેશના વડાપ્રધાનના અપમાનની ઉજવણી કરવી એ દેશદ્રોહ સમાન છે." જ્યારે બીજી તરફ, ધ્રુવ રાઠીના સમર્થકો એવી દલીલ કરી રહ્યા છે કે લોકશાહીમાં નેતાઓએ જનતા અને મીડિયાના સવાલોના જવાબો આપવા જ પડશે, સત્તા પર બેઠેલી વ્યક્તિ જવાબદારીમાંથી ભાગી ન શકે. કેટલાક યુઝર્સે તો ધ્રુવ રાઠી પર માત્ર વ્યુઝ મેળવવા અને સોશિયલ મીડિયા પર એન્ગેજમેન્ટ વધારવા માટે જ આવી નફરત ફેલાવતી પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
