<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

કચ્‍છનો અખાત બન્‍યો ડોલ્‍ફિનનું કાયમી ઘર! નરારા રીફ હોટસ્‍પોટ

૧૬ મહિનાના વૈજ્ઞાનિક સર્વેમાં ૧૯૩ ડોલ્‍ફિન નોંધાઈ

નવી દિલ્‍હી તા.૮: ગુજરાતનો કચ્‍છનો અખાત હવે માત્ર દરિયાઈ જીવો માટે પસાર થવાનું સ્‍થળ નહીં, પરંતુ ડોલ્‍ફિનનું ઘર પણ બન્‍યું હોવાના મજબૂત સંકેતો મળી રહ્યો છે. ગુજરાત ઇકોલોજિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ (GEER) ફાઉન્‍ડેશનના વૈજ્ઞાનિક સર્વેમાં ઓક્‍ટોબર ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ૬૪ વખત ડોલ્‍ફિન જોવા મળી અને કુલ ૧૯૩ ડોલ્‍ફિન નોંધાઈ. ભૌગોલિકનકશા તપાસો

‘સ્‍ટેટસ સર્વે ઓફ ડુગોંગ એન્‍ડ અધર મરીન મેમલ્‍સ, એન્‍ડ ઇકોલોજિકલ એસેસમેન્‍ટ ઓફ સીગ્રાસ હેબિટેટ્‍સ અરાઉન્‍ડ નરારા એન્‍ડ એડજેસન્‍ટ આઇલેન્‍ડ્‍સ, ગલ્‍ફ ઓફ કચ્‍છ' નામનો આ અભ્‍યાસ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્‍ક્‍ચુરી વિસ્‍તારમાં થયો હતો. આ દેશનો પ્રથમ મરીન પ્રોટેક્‍ટેડ એરિયા છે. સર્વેમાં કુલ ૧૭૭ દરિયાઈ વિશાળ પ્રાણીઓની હાજરીમાં ૩૪૨ જીવો નોંધાયા હતા, જેમાં ડોલ્‍ફિનની હાજરી ૩૬.૨ ટકા રહી.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આ અભ્‍યાસ દરિયાઈ જૈવવિવિધતા સંરક્ષણ માટે સરકારના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે. વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્‍યું કે સર્વેમાં ડોલ્‍ફિનના મહત્‍વના વિસ્‍તારોની વિગતવાર માહિતી મળી છે.

નરારા રીફ સૌથી મોટું હોટસ્‍પોટ રહ્યું. અહીં ૧૪ વખત ૩૯ ડોલ્‍ફિન મળી. ડેડેકા-મુંડેકા ટાપુ વિસ્‍તારમાં ૧૨ વખત ૪૧, પિરોટન ટાપુમાં ૧૧ વખત ૩૨ અને ધાણી ટાપુમાં ૯ વખત ૨૮ ડોલ્‍ફિન નોંધાઈ. સિક્કા નજીકના દરિયામાં ૮ વખત ૨૬, જ્‍યારે અન્‍ય વિસ્‍તારોમાં ૧૦ વખત ૨૭ ડોલ્‍ફિન મળી.

જીઈઈઆર ફાઉન્‍ડેશનના ડિરેક્‍ટર બી.પી. પાટી (IFS)એ કહ્યું કે શિયાળો, ઉનાળો અને ચોમાસા પછીની ઋતુમાં સતત હાજરી સૂચવે છે કે અખાતમાં ડોલ્‍ફિનનો એક ભાગ સ્‍થાયી અથવા અર્ધ-સ્‍થાયી હોઈ શકે છે. શિયાળામાં ૨૬, ચોમાસા પછી ૨૧ અને ઉનાળામાં ૧૭ વખત ડોલ્‍ફિન દેખાઇ હતી.

ડોલ્‍ફિન ખાસ કરીને જ્‍વારીય નહેરો, રીફની ધાર, ટાપુના કિનારા અને ખુલ્‍લા દરિયામાં જોવા મળી. ૧૭૭ રેકોર્ડમાંથી ૩૧ ડોલ્‍ફિન દર્શન જ્‍વારીય નહેરો અને ખુલ્‍લા દરિયામાં, ૨૨ રીફ પ્‍લેટફોર્મ પાસે અને ૧૧ સીગ્રાસ વિસ્‍તારમાં નોંધાયા. ડેડેકા-મુંડેકા વિસ્‍તારમાં ડોલ્‍ફિન ઊંડી રીફની ધાર અને જ્‍વારીય નહેરોમાં અવરજવર કરતી જોવા મળી. આ વિસ્‍તારો તેમના માટે ખોરાકના સમૃદ્ધ વિસ્‍તારો બની શકે છે.

રાજ્‍યના મુખ્‍ય વન્‍યજીવ સંરક્ષક ડો. જયપાલ સિહે કહ્યું કે રીફ, સીગ્રાસ અને જ્‍વારીય નહેરો મળીને સમૃદ્ધ દરિયાઈ પરિસ્‍થિતિ ઊભી કરે છે. સંશોધકોએ એકલી ડોલ્‍ફિનથી લઈને ૧૬ના સમૂહ સુધી તરવાની, નિયમિત સપાટી પર આવવું અને ખોરાક મેળવવાની પ્રવૃત્તિ નોંધાઈ.

સર્વેમાં ઈન્‍ડિયન ઓશન હમ્‍પબેક ડોલ્‍ફિનનીહાજરીના સ્‍પષ્ટ પુરાવા મળ્‍યા. જોકે દરેક ડોલ્‍ફિનની પ્રજાતિની ચોક્કસ ઓળખ થઈ નથી. ડેપ્‍યુટી ડિરેક્‍ટર અમિતકુમાર નાયકે (IFS) કહ્યું કે સતત સર્વે, પ્રજાતિ આધારિત ઓળખ, માછીમારી અને વહાણોની પ્રવૃત્તિનું મોનિટરિગ તથા દરિયાઈ વસવાટનું રક્ષણ જરુરી છે

(10:36 AM IST)