<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

દક્ષિણ ફિલિપાઇન્સમાં એક શાળામાં અચાનક હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કર્યો : છ બાળકોના મોત : 17 વિદ્યાર્થીઓ ગંભીર

સુરક્ષા દળોએ સમગ્ર શાળા અને આસપાસના વિસ્તારને પોતાના ઘેરામાં લઈ લીધો: ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ફિલિપાઇન્સમાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ફિલિપાઇન્સ ખાતે આવેલી એક શાળામાં અચાનક અજાણ્યા હુમલાખોરોએ શસ્ત્રો સાથે ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો.

આ ભયાનક હુમલામાં 6 માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે 17થી વધારે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અચાનક થયેલા આ ગોળીબારને કારણે શાળા સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે હડકંપ વ્યાપી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સુરક્ષા દળોએ સમગ્ર શાળા અને આસપાસના વિસ્તારને પોતાના ઘેરામાં લઈ લીધો છે. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.

આ હુમલો શા માટે અને કયા હેતુસર કરવામાં આવ્યો છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ફિલિપાઇન્સ સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લઈને ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

(10:38 PM IST)