<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

દિલ્હી-NCRમાં કુદરતનો પ્રકોપ: ધોધમાર વરસાદ અને કરાની તોફાની એન્ટ્રી : ગરમી છૂમંતર!

ભયાનક ઉકળાટ અને અસહ્ય ભેજ વચ્ચે વરસેલા વરસાદે હાઈવે પર સર્જ્યા રોમાંચક દ્રશ્યો: અનેક વિસ્તારોમાં બરફના કરા પડ્યા

નવી દિલ્હી :  રાજધાની દિલ્હી અને આસપાસના NCR વિસ્તારોમાં બુધવારે રાત્રે કુદરતે અચાનક કરવટ બદલી અને ભીષણ ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સવારથી જ આકરા તડકા અને પરસેવે રેબઝેબ કરી દેતા ભેજથી ત્રસ્ત દિલ્હીવાસીઓ માટે રાત્રિનો આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. જોરદાર વાવાઝોડા અને વિજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે મિનિટોમાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. જોકે, આ અચાનક આવેલા પલટાએ ટ્રાફિક વ્યવસ્થા પર બ્રેક લગાવી દીધી હતી અને રસ્તા પરના વાહનચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

દિલ્હી એરપોર્ટથી લઈને ઓખલા અને ઉત્તમ નગર જેવા વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં, પણ મોટા કદના બરફના કરા પડવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ દ્રશ્યો જોઈને એવું લાગતું હતું જાણે મે મહિનાની ગરમીમાં શિયાળાનું આગમન થયું હોય. સૌથી વધુ મુશ્કેલી ટુ-વ્હીલર સવારો અને ઓફિસથી ઘરે પરત ફરી રહેલા નોકરિયાતોને પડી હતી, જેમને બચવા માટે બસ સ્ટેન્ડ કે ઓવરબ્રિજ નીચે આશરો લેવાની ફરજ પડી હતી. વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડતા દૃશ્યતા  માં ઘટાડો થયો હતો, જેના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ રાહત લાંબો સમય ટકવાની નથી કારણ કે પારો ફરીથી ઉંચો જવાની પૂરી શક્યતા છે. આગામી ૧૪ મેના રોજ આકાશ વાદળછાયું રહેશે અને તાપમાન ૩૯ ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ ૧૫ મેથી ગરમીનો અસલી રાઉન્ડ શરૂ થશે. ૧૭ મે સુધીમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની આગાહી કરવામાં આવી છે. આથી, અત્યારે ભલે વરસાદે ઠંડક આપી હોય, પરંતુ આગામી સપ્તાહે દિલ્હીવાસીઓએ ભીષણ લૂ અને આકરા તાપનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

(11:41 PM IST)