તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
હજને કારણે ઈરાન પર અમેરિકી હુમલો ટળ્યો: સાઉદી અને UAE એ ટ્રમ્પને યુદ્ધ રોકવા મનાવ્યા
પવિત્ર હજ યાત્રા દરમિયાન લાખો મુસ્લિમોની સુરક્ષા અને આરબ દેશોમાં સંભવિત રોષને જોતા પ્રમુખ ટ્રમ્પે છેલ્લી ઘડીએ હુમલાનો નિર્ણય બદલ્યો: હવે પરમાણુ કરાર માટે 'પ્લાન-B' પર મંથન શરૂ

રિયાધ: પશ્ચિમ એશિયામાં યુદ્ધના નગારા વાગી રહ્યા હતા ત્યારે એક મોટા રાજદ્વારી હસ્તક્ષેપે સંભવિત વિનાશને હાલ પૂરતો ટાળી દીધો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 19 મેના રોજ ઈરાન પર સૈન્ય હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ આક્રમક દલીલો કરીને વોશિંગ્ટનને પીછેહઠ કરવા મજબૂર કર્યું. આરબ નેતાઓએ ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો હજ યાત્રા દરમિયાન ઈરાન પર હુમલો થશે, તો સાઉદીમાં હાજર લાખો યાત્રાળુઓના જીવ જોખમમાં મુકાશે અને સમગ્ર ઈસ્લામિક જગતમાં અમેરિકા પ્રત્યે પ્રચંડ આક્રોશ ફાટી નીકળશે, જેની કિંમત લાંબા ગાળે ચૂકવવી પડશે.
સાઉદી અરેબિયા અને UAE ને ભય હતો કે જો અમેરિકા ઈરાન પર ત્રાટકશે, તો ઈરાન વળતા પ્રહારમાં રિયાધ અને અબુ ધાબીને નિશાન બનાવી શકે છે. આ વ્યૂહાત્મક જોખમને ટાળવા માટે, હવે અમેરિકાએ હજ પહેલા કોઈક રીતે કામચલાઉ પરમાણુ કરાર પર પહોંચવા માટે કતાર મારફતે ઈરાનને મેમોરેન્ડમ મોકલ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઈરાની મીડિયા આ નવા પ્રસ્તાવને 'વાટાઘાટો કરી શકાય તેવો' ગણાવી રહ્યું છે. જોકે, ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેની હજુ પણ પોતાનું સમૃદ્ધ યુરેનિયમ વિદેશ મોકલવા તૈયાર નથી, કારણ કે તેઓ માને છે કે તેનાથી ઈરાનનું પલ્લું નબળું પડી જશે.
નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં રમઝાન દરમિયાન અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા હતા, જેમાં આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા થઈ હતી. આ કડવા ભૂતકાળ પછી, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ને કડક રીતે બંધ કરી દેતા વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર મચી ગયો હતો. આ આર્થિક દબાણને કારણે જ અમેરિકા હવે હથિયારો છોડીને ટેબલ પર વાટાઘાટો કરવા મજબૂર બન્યું છે. હાલમાં સૌની નજર 24 મેથી શરૂ થતી હજ યાત્રા પર છે, અને આ સમયગાળા દરમિયાન શાંતિ જળવાઈ રહેશે કે કેમ તે મોટો સવાલ છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
