<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

વિશ્વના ૧૬ લાખ મુસ્‍લિમોની હજ્જયાત્રા

૪૫ ડીગ્રીથી વધુ તાપમાન વચ્‍ચે મક્કામાં શ્રદ્ધાનું ઘોડાપૂર

રિયાધ તા. ર૬ :.. સાઉદી અરેબીયાના મક્કા શહેરમાં આજે વિશ્વભરના ૧૬ લાખ મુસ્‍લિમો એકત્ર થઇ હજજયાત્રા કરી રહયા છે.

સાઉદી પ્રેસ એજન્‍સી દ્વારા અહેવાલ મુજબ, હજ યાત્રાના સોથી પવિત્ર અને આધ્‍યાત્‍મિક રીતે વ્‍યાખ્‍યાયિત તબકકા માટે આજે યાત્રાળુઓ અરાફાતના મેદાનમાં એકઠા થયા હતા, જેમાં તીવ્ર ભકિત અને પ્રાર્થનાના દ્રશ્‍યો જોવા મળ્‍યા હતાં.

જીલ હિજજાના નવમા દિવસે આજે પરોઢથી, યાત્રાળુઓ અરાફાતમાં પ્રવેશ કરેલ, જયાં તેઓ સૂર્યાસ્‍ત સુધી પવિત્ર સ્‍થળની નિર્ધારિત સીમાઓમાં રહીને પૂજા, કુરાન પઠન, સ્‍મરણ અને પ્રાર્થનામાં આખો દિવસ વિતાવશે.

મક્કાથી લગભગ ૨૦ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્‍થિત અરાફાત, જબલ અલ-રહમાહ, નામના રણ વિસ્‍તારમાં ખુલ્લું મેદાન છે, જ્‍યાં ઘણા યાત્રાળુઓ પ્રાર્થના અને ચિંતન માટે ભેગા થાય છે. ઇસ્‍લામિક પરંપરા છે કે આ સ્‍થળે આદમ અને હવાના પુનઃમિલન સાથે જોડાયેલું છે અને વિશ્વભરના મુસ્‍લિમો માટે ઊંડે પ્રતીકાત્‍મક રહેલ છે.

ગઇકાલે સવારથી આ પહેલાના મેદાન મીનામાં રોકાણ કરેલ અને આજે સવારે અરાફાત તરફ જવાની શરૂઆત થઈ, જ્‍યાં હજયાત્રીઓએ સૌથી મુશ્‍કેલ તબક્કા માટે આધ્‍યાત્‍મિક અને શારીરિક રીતે તૈયારી કરવામાં વિતાવ્‍યો. સાઉદી અધિકારીઓએ પવિત્ર સ્‍થળોએ ભીડ-નિયંત્રણ પ્રણાલીઓ, તબીબી સેવાઓ, પરિવહન નેટવર્ક અને કટોકટી સમયના મેળાવડાના આવશ્‍યક બાબતો ઉપર ભાર મૂકયો છે.

ઇસ્‍લામિક વિદ્વાનો આ દિવસને ઇસ્‍લામિક કેલેન્‍ડરમાં સૌથી પવિત્ર દિવસ અને દયા, ક્ષમા અને આધ્‍યાત્‍મિક નવીકરણ સાથે સંકળાયેલ ક્ષણ તરીકે વર્ણવે છે. ઇસ્‍વીસન ૬૩૨ માં પથગંબર મુહમ્‍મદની વિદાય યાત્રા સાથે પણ સુસંગત છે, જે દરમિયાન તેમણે અરાફાત પર્વત પર પોતાનો અંતિમ ઉપદેશ આપ્‍યો હતો, જેમાં ન્‍યાય, સમાનતા અને જીવન અને સંપત્તિની પવિત્રતાના સિદ્ધાંતોની રૂપરેખા આપવામાં આવી હતી.

આજે બપોરના સમયે, યાત્રાળુઓને અરાફાહનો ઉપદેશ આપવામાં આવશે, જેમાં ધાર્મિક માર્ગદર્શન અને દિવસના ગુણો વિશે યાદ અપાવવામાં આવશે. ત્‍યારબાદ યાત્રાળુઓ પ્રોફેટ મુહમ્‍મદના કહેલા અનુસાર ઝોહર અને અસ્‍ત્રની નમાઝ એકસાથે  પઢશે.

આજે બુધવારના ત્‍યાં ૪પ ડિગ્રી સેલ્‍સિયસથી વધુ તાપમાન વચ્‍ચે આરોગ્‍ય અધિકારીઓ હાઇ એલર્ટ પર રહયા છે. યાત્રાળુઓને હાઇડ્રેટેડ રહેવા અને સીધા સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાનું ટાળવા વિનંતી કરી છે.

આજે સૂર્યાસ્‍ત સમયે, યાત્રાળુઓ અરાફાતથી મુઝદલિફા નામના મેદાનમાં પરત આવવા માટે રવાના થવા લાગશે જયાં તેઓ મગરિબ અને ઇશાની નમાઝ એકસાથે અદા કરવા માટે તૈયાર રહેશે અને આવતી કાલથી સાંકેતિક પથ્‍થરમારા પહેલા રાત્રિ પૂજા અને આરામ કરશે. આવતા રવિવારે હ*યાત્રા પૂર્ણ થશે.

(1:25 PM IST)