<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

હમાસની હેવાનિયતનો પર્દાફાશ: ૭ ઓક્ટોબરના નરસંહારમાં 'સેક્સ ટોર્ચર'ને હથિયાર બનાવ્યું, પરિવારોની સામે જ આચરવામાં આવ્યા અકલ્પનીય અત્યાચાર

બે વર્ષની તપાસના ભયાનક તારણો: ૧૦,૦૦૦થી વધુ તસવીરો અને ૨,૦૦૦ કલાકના ફૂટેજમાં કેદ થઈ આતંકવાદીઓની ક્રૂરતા; જીવતા અને મૃતદેહો સાથે પણ આચર્યું દુષ્કર્મ

તેલ અવીવ : ૭ ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર થયેલા હમાસના હુમલાએ માત્ર નરસંહાર જ નહીં, પરંતુ માનવતાને શરમાવે તેવી જાતીય હિંસાનું એક પૂર્વાયોજિત અભિયાન હતું. મંગળવારે જાહેર કરવામાં આવેલી એક અત્યંત વિગતવાર અને ભયાનક તપાસ અહેવાલમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે આતંકવાદીઓએ સમગ્ર પરિવારોને માનસિક અને શારીરિક રીતે તોડી નાખવા માટે 'જાતીય ત્રાસ'નો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો. સિવિલ કમિશનની આ તપાસમાં ૪૩૦ થી વધુ સાક્ષીઓની મુલાકાત લેવામાં આવી હતી, જેમના નિવેદનો સાંભળીને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ જાય તેમ છે.

પરિવારના સભ્યોને એકબીજા સાથે અનૈતિક કૃત્યો કરવા મજબૂર કર્યા

આ અહેવાલમાં સૌથી હચમચાવી દેનારી વાત "કાઇનોસાઇડલ જાતીય હિંસા" (Kinosidal Sexual Violence) છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ પરિવારના સભ્યોને એકબીજા પર જાતીય કૃત્યો કરવા માટે બળજબરી કરી હતી. આ પ્રકારની ક્રૂરતા પાછળનો હેતુ માત્ર શારીરિક પીડા આપવાનો જ નહોતો, પરંતુ પવિત્ર પારિવારિક સંબંધોને કલંકિત કરીને પીડિતોને આજીવન માનસિક આઘાત આપવાનો હતો. સાક્ષીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરો મહિલાઓને ગાડીમાંથી ખેંચી કાઢતા, તેમના વસ્ત્રો ફાડી નાખતા અને તેમની હત્યા કર્યા પછી પણ તેમના મૃતદેહો સાથે દુષ્કર્મ આચરતા હતા.

બંધકોની સ્થિતિ અને વ્યવસ્થિત રણનીતિ

નરસંહારના તે દિવસે આશરે ૨,૦૦૦ લોકોની હત્યા કરવામાં આવી હતી અને ૨૫૦ થી વધુ લોકોને બંધક બનાવી ગાઝાની સુરંગોમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસમાં સ્પષ્ટ થયું છે કે જાતીય હિંસા માત્ર હુમલાના દિવસે જ નહીં, પરંતુ ગાઝામાં કેદ દરમિયાન પણ મહિનાઓ સુધી ચાલુ રહી હતી. ૧૭ વર્ષીય બંધક અગમ ગોલ્ડસ્ટીને જણાવ્યું હતું કે, જ્યારે તમારા પોતાના શરીર પર તમારો કોઈ કાબૂ ન રહે ત્યારે તે સ્થિતિ માનવીને અંદરથી સાવ તોડી નાખે છે. આ અત્યાચારોમાં માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ પુરુષો, છોકરાઓ અને વૃદ્ધોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

યુદ્ધ અપરાધો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘો

કમિશનના સ્થાપક ડૉ. કોચાવ એલ્કાયામ-લેવીએ જણાવ્યું હતું કે, આ તપાસ દર્શાવે છે કે જાતીય હિંસા કોઈ છૂટીછવાઈ ઘટના નહોતી, પરંતુ તે એક ઈરાદાપૂર્વકની રણનીતિ હતી. કમિશને આ કૃત્યોને યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોની શ્રેણીમાં મૂક્યા છે. આતંકવાદીઓએ તેમના પાછળ પુરાવાઓનો મોટો ઢગલો છોડ્યો છે, જેમાં હજારો ફોટા અને વીડિયો ફૂટેજનો સમાવેશ થાય છે. આ અહેવાલ બાદ હવે આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવાધિકાર સંગઠનો પર હમાસની આ હેવાનિયત સામે કડક કાર્યવાહી કરવાનું દબાણ વધી રહ્યું છે.

(8:40 PM IST)