<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

હામિદ અંસારીના નિવેદન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આકરા પ્રહારો: "તેમનું નિવેદન ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માટે જોખમી"

પ્રેરણા વિમર્શ-2026'ના સમાપન સમારોહમાં સીએમ યોગીનો હુમલો: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને રાહુલ ગાંધી પર દેશને બદનામ કરવાનો અને નારી શક્તિનું અપમાન કરવાનો આરોપ

ગ્રેટર નોઈડા:   ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગ્રેટર નોઈડા ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 'પ્રેરણા વિમર્શ-2026' કાર્યક્રમના સમાપન સમારોહને સંબોધિત કરતી વખતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના તાજેતરના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. સીએમ યોગીએ અંસારીના નિવેદનને રાષ્ટ્રવિરોધી ગણાવતા કહ્યું હતું કે સર્વોચ્ચ બંધારણીય પદો પર રહી ચૂકેલા વ્યક્તિઓ પાસેથી દેશ તેમની ગરિમાને અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે, પરંતુ કેટલાક લોકો સતત પોતાના હોદ્દાની મર્યાદા ભૂલીને ભારત, ભારતીયતા અને દેશની શાશ્વત પરંપરાઓને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ નામ લીધા વિના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બંને પર સખત નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પૂર્વ બંધારણીય અધિકારી દ્વારા આપવામાં આવેલું નિવેદન અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને તે દેશની મહાન સંસ્કૃતિ અને પરંપરાઓનું સરેઆમ અપમાન કરે છે. યોગી આદિત્યનાથે સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું કે હવે દેશે આવા ગેરમાર્ગે દોરનારા લોકો પાસેથી કોઈ પણ પ્રકારની સકારાત્મક અપેક્ષા રાખવાનું બંધ કરી દેવું જોઈએ. આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી નેતાઓ પોતાના નિવેદનો દ્વારા નારી શક્તિ અને ભારતીય મૂલ્યોનું અનાદર કરીને દેશના યુવાનો સામે ઓળખનું સંકટ ઊભું કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ તાજેતરમાં એ.જી. નૂરાની મેમોરિયલ લેક્ચર દરમિયાન ૨૦૧૯ના પુસ્તક "ધ આરએસએસ: અ મેનેસ ટુ ઈન્ડિયા"નો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના એક જૂના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે ભારત માટે મુખ્ય ખતરો સામ્યવાદ નથી પરંતુ હિન્દુ જમણેરી સાંપ્રદાયિકતા છે. અંસારીના આ નિવેદન બાદ ભાજપ, વીએચપી અને હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા આકરી ટીકાઓ કરવામાં આવી રહી છે, જેનાથી દેશના રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.

(6:54 PM IST)