News of Friday, 8th May 2026
દરિયાની વચ્ચે 'હંટાવાયરસ'નો ફફડાટ: એમવી હોન્ડિયસ ક્રૂઝ શિપ પર વાયરસનો હુમલો, ભારત સરકાર એક્શન મોડમાં, મુસાફરો પર કડક દેખરેખ
બે ભારતીયો પણ શિપ પર સવાર: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે મળીને આરોગ્ય મંત્રાલયે સંભાળ્યો મોરચો, એન્ડીઝ સ્ટ્રેનથી 3 ના મોત બાદ તંત્ર સતર્ક

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે. ‘એમવી હોન્ડિયસ’ (MV Hondius) નામની ક્રૂઝ શિપ પર હંટાવાયરસ (Hantavirus) ના કેસો સામે આવતા જ ભારત સરકારનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. શિપ પર વાયરસના સંક્રમણને રોકવા અને ભારતીય નાગરિકોની સુરક્ષા માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને WHO ના સહયોગથી કડક સર્વેલન્સ પગલાં સક્રિય કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, આ જહાજ પર અત્યાર સુધીમાં હંટાવાયરસના આઠ શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાંથી પાંચ કેસોની લેબોરેટરીમાં પુષ્ટિ થઈ ચુકી છે. અત્યંત દુઃખદ રીતે આ ચેપને કારણે ત્રણ લોકોના મોત પણ નિપજ્યા છે. WHO ના રિપોર્ટ અનુસાર, આ વાયરસનો 'એન્ડીઝ સ્ટ્રેન' (Andes strain) છે, જે સામાન્ય રીતે માણસથી માણસમાં ફેલાવાની મર્યાદિત ક્ષમતા ધરાવે છે, પરંતુ નજીકના અને લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી જોખમ વધી શકે છે.
ચિંતાની વાત એ છે કે આ ક્રૂઝ શિપ પર બે ભારતીય નાગરિકો પણ સવાર છે. જોકે, રાહતના સમાચાર એ છે કે હાલમાં આ બંને ભારતીયોમાં વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રોટોકોલ મુજબ હાલ તેમને નિરીક્ષણ (Observation) હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય સતત તેમના સંપર્કમાં છે અને તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સ્થિતિની ગંભીરતાને જોતા NCDC ના પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર દ્વારા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી અને તમામ જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. જોકે WHO એ હાલમાં વૈશ્વિક જોખમ ઓછું હોવાનું જણાવ્યું છે, પરંતુ વાયરસના લાંબા ઇન્ક્યુબેશન પિરિયડને કારણે વધુ કેસો આવવાની શક્યતા નકારી શકાતી નથી.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
