તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
કર્મચારીની મહેનતથી ખુશ થઈ ભેટ કરી કરોડોની લેમ્બોર્ગિની કાર
કંપનીની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ગાલા અને એવોર્ડ સમારોહમાં આ સરપ્રાઈઝ આપવામાં આવી હતી.

દુબઈ તા.૩૦: કર્મચારીઓની મહેનત અને સમર્પણની કદર કરવા માટે કંપનીઓ દ્વારા બોનસ કે અન્ય ભેટો આપવામાં આવતી હોય છે, પરંતુ દુબઈની એક કંપનીએ પોતાના ટોચના પ્રદર્શન કરનાર કર્મચારીને એવી શાનદાર ભેટ આપી છે કે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે. કંપનીએ કર્મચારીની કામગીરીથી ખુશ થઈ તેને લક્ઝરી કાર લેમ્બોર્ગિની ઉરુસ ભેટમાં આપી છે.
મળતી માહિતી અનુસાર, આ ભેટ મેળવનાર કર્મચારીનું નામ નતાલિયા ચાવેઝ છે. તે દુબઈની રિયલ એસ્ટેટ કંપની રિચકી પ્રોપર્ટીઝ સાથે જોડાયેલી છે. તેણે છેલ્લા બે વર્ષમાં ૫૦૦ મિલ્યન ડોલરથી વધુ એટલે કે આશરે ૫,૦૦૦ લાખ ડોલરથી વધુની પ્રોપર્ટીના વેચાણના સોદા પૂર્ણ કર્યા છે. તેની આ કામગીરીને ધ્યાનમાં રાખીને કંપનીએ તેને આ મોંઘીદાટ ભેટ આપવાનો નિર્ણય લીધો હતો.
કંપનીની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ગાલા અને એવોર્ડ સમારોહમાં આ સરપ્રાઈઝ આપવામાં આવી હતી. નતાલિયા ચાવેઝને વર્ષ ૨૦૨૬ના ટોપ પરફોર્મર તરીકે જાહેર કરવામાં આવી હતી. શરૂઆતમાં તેને કંપનીના સીઈઓ દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી, પરંતુ તે સ્ટેજ પરથી પરત ફરી રહી હતી ત્યારે સીઈઓએ તેને રોકીને વધુ એક સરપ્રાઇઝ હોવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ નતાલિયાને એક ખાસ ભેટનું અનબોક્સિંગ કરવા માટે બોલાવવામાં આવી હતી. કાઉન્ટડાઉન અને રિબન કાપવાની વિધિ બાદ તેની સામે વિશાળ બો લગાવેલી નવી બ્લુ કલરની લેમ્બોર્ગિની ઉરુસ કાર રજૂ કરવામાં આવી હતી.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
