તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
હરેન પંડ્યા હત્યા કેસના ગુનેગાર અસગર અલીની સજા માફીની અરજી પર ૬ મહિનામાં નિર્ણય લેવા હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ
૧૪ વર્ષની જેલ ભોગવી ચૂકેલા હૈદરાબાદના શાર્પશૂટરની અરજી પર જસ્ટિસ એમ આર મેંગડેએ આપ્યો ચુકાદો : વર્ષ ૨૦૦૧માં કચ્છ બોર્ડર પરથી ૨૨ કિલો આરડીએક્સ સાથે પકડાયેલા લશ્કરના આતંકી શાહ નવાઝ ભટ્ટીની અરજી પણ ૬ માસમાં નિકાલ કરવા હુકમ

અમદાવાદ: ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યા હત્યા કેસના મુખ્ય ગુનેગાર અને હૈદરાબાદના શાર્પશૂટર મોહમ્મદ અસગર અલીની સજા માફી (રેમિશન) અંગેની અરજી પર આગામી ૬ મહિનામાં યોગ્ય નિર્ણય લેવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક આદેશ કર્યો છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા અસગર અલીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવીને રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર તેની સજા માફીની અરજી પર કોઈ નિર્ણય લઈ રહી નથી. તેના વકીલે દલીલ કરી હતી કે અસગર અલી જેલમાં ૧૪ વર્ષની સજા પૂરી કરી ચૂક્યો છે અને જેલ દરમિયાન તેનું વર્તન પણ સારું રહ્યું હોવાથી તેને મુક્ત કરવામાં આવે. આ મામલે સુનાવણી બાદ જસ્ટિસ એમ આર મેંગડેએ ગયા સપ્તાહે આદેશ આપતા જણાવ્યું હતું કે, સંબંધિત સત્તાધિકારીએ કાયદા અનુસાર અરજદારની સજા માફીની અરજી પર શક્ય તેટલી ઝડપે, પ્રાધાન્યરૂપે ઓર્ડર મળ્યાની તારીખથી ૬ મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવો રહેશે.
આ કેસની વિગત એવી છે કે, ૨૬ માર્ચ, ૨૦૦૬ના રોજ પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની ભયાનક હત્યા કરવામાં આવી હતી, જેના થોડા દિવસો બાદ જ અસગર અલીની ધરપકડ કરાઈ હતી. સીબીઆઈ (CBI) તપાસમાં બહાર આવ્યું હતું કે વર્ષ ૨૦૦૨ના ગોધરા પછીના કોમી રમખાણોના બદલાના ભાગરૂપે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અસગર અલી સહિત ૧૭ અન્ય શખ્સો સામે આઈપીસી અને પોટા (POTA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓ સામે હરેન પંડ્યાની હત્યા ઉપરાંત તેના પહેલાં વીએચપી કાર્યકર જગદીશ તિવારીની હત્યાના પ્રયાસ બદલ પણ કેસ ચલાવવામાં આવ્યો હતો. સીબીઆઈ કોર્ટે આ બંને ગુનાઓને એક જ ષડયંત્રનો ભાગ ગણીને ૧૮ લોકો સામે ટ્રાયલ ચલાવી હતી. વર્ષ ૨૦૦૭માં સીબીઆઈ કોર્ટે ૧૨ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને અસગર અલીને હરેન પંડ્યાની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી.
ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં હાઈકોર્ટે હત્યાના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ જગદીશ તિવારીની હત્યાના પ્રયાસના ગુનામાં તેમની સજા બહાલ રાખીને તેને ૭ વર્ષની કરી દીધી હતી. જોકે, વર્ષ ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ આદેશને ઉલટાવી દીધો હતો અને સીબીઆઈની અપીલ પર તમામ ૧૨ આરોપીઓને ફરીથી દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ભોગવવા માટે સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો. વર્ષ ૨૦૨૫માં અસગર અલીએ સમય પહેલાં મુક્તિ માટે સરકારને વિનંતી કરી હતી, પરંતુ સરકારે નિર્ણય ન લેતા તે હાઈકોર્ટ ગયો હતો. અદાલત સમક્ષ સરકારે રજૂઆત કરી છે કે આ અરજી હાલ વિચારણા હેઠળ છે અને એડવાઈઝરી કમિટીનો અભિપ્રાય પણ મળી ગયો છે, જેથી ટૂંક સમયમાં તેને સત્તાધિકારી સમક્ષ મૂકવામાં આવશે.
આવા જ એક અન્ય કિસ્સામાં, વર્ષ ૨૦૦૧માં કચ્છ બોર્ડર પરથી ૨૨ કિલો આરડીએક્સ (RDX) સાથે પકડાયેલા અને આજીવન કેદની સજા ભોગવી રહેલા લશ્કર-એ-તૈયબાના આતંકી શાહ નવાઝ ભટ્ટીએ પણ સજા માફીનો લાભ મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેણે રજૂઆત કરી હતી કે તે કોઈ પણ પેરોલ વગર બે દાયકા કરતાં વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યો છે અને સત્તાવાળાઓ છેલ્લા બે વર્ષથી તેની અરજી પર કોઈ નિર્ણય લઈ રહ્યા નથી. હાઈકોર્ટે રાજ્ય સરકારને શાહ નવાઝ ભટ્ટીની સજા માફીની અરજી પર પણ આગામી ૬ મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
