તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી ખાતેથી ૧૫મી ઓગસ્ટે પૂ. મોરારીબાપુની ૯૮૨મી રામકથાનો મંગલ પ્રારંભ : અમેરિકાની ધરતી પર પૂ. બાપુની ૪૦મી કથા
તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં "માનસ ગુરુ પ્રસાદ" શિર્ષક હેઠળ કથા ગાન : ભારતના ૫૦ કથાકારો સાથે અમેરિકામાં યોજાશે વિશેષ તુલસી એવોર્ડ સમારોહ

હાર્વર્ડ (અમેરિકા): ભારતના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫ ઓગસ્ટના પવિત્ર દિવસે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થીએટર, મેમોરિયલ હોલ ખાતેથી રામકથાકાર પૂ. મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૮૨મી રામકથાનો મંગલ આરંભ થયો છે. અમેરિકાની ધરતી પર આ પહેલા ૩૯ વખત પૂ. બાપુ કથા ગાન કરી ચૂક્યા છે, જે મુજબ આ ૪૦મી કથા છે. આ કથાનું આયોજન લોર્ડ ડોલર પોપટ અને પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
આ વખતે રામકથાની વિશેષતા એ છે કે પૂ. બાપુ અમેરિકાના આંગણે તુલસી જન્મોત્સવની ઉજવણી કરશે. શ્રાવણ સુદ સાતમના રોજ યોજાનારી તુલસી જયંતિના ઉપલક્ષ્યમાં પૂ. બાપુ ભારતના પચાસ જેટલા કથાકારોને પોતાની સાથે અમેરિકા લઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે પૂ. બાપુ દ્વારા વર્ષ ૨૦૧૦થી કૈલાસ ગુરુકુળ, મહુવાથી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. કલિ પાવનાવતાર પૂજ્ય તુલસીદાસજી મહારાજની પુણ્ય સ્મૃતિમાં ભારતના વિવિધ પ્રાંતના રામકથાના ગાયકો, વાચકો, રામચરિતમાનસના ચિંતકો અને યોગદાન આપનારી સંસ્થાઓને તુલસી એવોર્ડ, વ્યાસ એવોર્ડ અને વાલ્મીકિ એવોર્ડથી વિભૂષિત કરવાનો ઉપક્રમ ચલાવવામાં આવે છે. ૨૦૧૦ થી ૨૦૨૪ સુધી આ કાર્યક્રમ કૈલાસ ગુરુકુળ ખાતે યોજાતો હતો, જ્યારે ગત વર્ષે તુલસીદાસજીના જન્મસ્થળ રાજાપુર ખાતે યોજાયો હતો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકામાં આ આયોજન થઈ રહ્યું છે.
પૂ. બાપુ માટે રામચરિતમાનસ સ્વયં સદ્ગુરુ અને પ્રભુ રામનું વાંગ્મય સ્વરૂપ છે. તુલસીદાસજીના સ્મરણમાં યોજાતા આ કાર્યક્રમમાં દેશના સમર્થ વિદ્વાન કથાકારો અને ચિંતકો રામાયણ પર પોતાનું નવું ચિંતન પ્રસ્તુત કરે છે, જેને પૂ. બાપુ શ્રોતા બનીને વિનમ્રતાથી શ્રવણ કરે છે. આ રામકથા દરમિયાન શ્રોતાઓ સાયંકાલીન સભામાં વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનનો લાભ પણ મેળવશે. સ્વાતંત્ર્ય દિવસે કથાનો આરંભ એક અદ્ભુત યોગાનુયોગ બન્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
