તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
વીજળી, પાણી અને ગેસના બિલ ભરવાની ઝંઝટ થઈ સમાપ્ત: હવે વોટ્સએપ પર જ મેસેજ મોકલવા જેટલું સરળ બનશે પેમેન્ટ!
મેટા દ્વારા ભારતીય યૂઝર્સ માટે રજૂ કરવામાં આવી શાનદાર સુવિધા; ભારત કનેક્ટ (BBPS) સાથે જોડાઈને હવે એક જ એપ્લિકેશનથી ફાસ્ટેગ, વીમા અને ક્રેડિટ કાર્ડના બિલ પણ થઈ શકશે ચૂકવી શકાશે.

નવી દિલ્હી | તા.03 સામાન્ય માણસના દૈનિક જીવનને વધુ સરળ અને સુવિધાજનક બનાવવા માટે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે એક ક્રાંતિકારી સુવિધા શરૂ કરી છે. હવે દેશના કરોડો યૂઝર્સે વીજળી, પાણી, એલપીજી ગેસ કે અન્ય યુટિલિટી બિલ ચૂકવવા માટે અલગ-અલગ એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની કે બહુવિધ નિયત તારીખો યાદ રાખવાની માથાકૂટમાંથી કાયમ માટે મુક્તિ મળી ગઈ છે. રોજબરોજ મિત્રો અને પરિવારજનો સાથે ચેટ કરવા માટે વપરાતી આ જ એપ દ્વારા હવે ઘર બેઠા જ તમામ જરૂરી બિલ સેકન્ડોમાં ચૂકવી શકાશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) એટલે કે 'ભારત કનેક્ટ' દ્વારા સંચાલિત આ નવી સુવિધા અંતર્ગત યૂઝર્સને દેશભરના ૩૦ અલગ-અલગ સેગમેન્ટ્સ હેઠળ આવતા ૨૨,૭૨૨ થી વધુ બિલર્સની સીધી એક્સેસ મળવા લાગી છે. આ સિસ્ટમ દ્વારા માત્ર વીજળી અને પાણી જ નહીં, પરંતુ ફાસ્ટેગ રિચાર્જ, વીમાના પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડના બિલ તેમજ લોનની ચુકવણી પણ અત્યંત સુરક્ષિત રીતે થઈ શકશે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે માત્ર વોટ્સએપ ઓપન કરીને હોમ સ્ક્રીન પર દેખાતા (₹) આઇકોન પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ યોગ્ય બિલ કેટેગરી અને બિલર પસંદ કરી એકાઉન્ટની માહિતી નાખવાથી બિલની રકમ સ્ક્રીન પર આવી જશે. યૂઝર્સ યુપીઆઈ (UPI), ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકશે. ખાસ વાત એ છે કે વોટ્સએપનું આ 'પેમેન્ટ્સ હોમ' સેક્શન અગાઉ ચૂકવેલા તમામ બિલનો રેકોર્ડ પણ સાચવશે, જેથી આગામી વખતે બિલ ભરતી વખતે વધુ મહેનત ન કરવી પડે. આ ઉપરાંત, એક જ કેટેગરીમાં બહુવિધ એકાઉન્ટ્સ જેમ કે ઘર અને ઓફિસના અલગ-અલગ વીજળી કનેક્શન પણ એકસાથે મેનેજ કરી શકાશે.
મેટા ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને કન્ટ્રી હેડ અરુણ શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, આ સુવિધાનો હેતુ દરેક ઘરના રોજિંદા કાર્યોને અત્યંત સરળ બનાવવાનો છે જેથી ડિજિટલ પેમેન્ટ્સ દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચાડી શકાય. હાલમાં આ નવી 'બિલ પેમેન્ટ્સ' સુવિધાને તબક્કાવાર રીતે સમગ્ર ભારતમાં રોલ-આઉટ કરવામાં આવી રહી છે, જે આગામી થોડા અઠવાડિયામાં એન્ડ્રોઇડ અને આઈઓએસ (iOS) ના તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
