<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ન્યૂ યોર્કમાં સલામત ઉનાળાના દાવા વચ્ચે નફરતની આગ: 15.8% વધેલા હેટ ક્રાઇમમાં 50%થી વધુ ટાર્ગેટ માત્ર યહૂદી સમુદાય!

NYPDના ચોંકાવનારા આંકડા સામે આવ્યા બાદ યહૂદી નેતાઓ અને યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે મેયર ઝોહરાન મામદાનીના વિવાદાસ્પદ નિવેદનો અને નીતિઓ સામે મોરચો માંડ્યો

ન્યૂ યોર્ક : ન્યૂ યોર્ક સિટીમાં એક તરફ પોલીસ વિભાગ દ્વારા ઇતિહાસનો સૌથી સુરક્ષિત ઉનાળો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ શહેરમાં નફરત અને વેરઝેરના ગુનાઓમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. NYPD (ન્યૂ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરમાં ગુનાના ચોંકાવનારા આંકડા અનુસાર, શહેરમાં નફરતના ગુનાઓમાં (Hate Crimes) 15.8%નો વધારો નોંધાયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ કુલ ગુનાઓમાંથી અડધાથી વધુ હુમલાઓ માત્ર યહૂદી સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે, જ્યારે કે શહેરમાં તેમની વસ્તી માત્ર 10% ની આસપાસ છે.

 

રોશ હશનાહ અને યોમ કિપ્પુર જેવા પવિત્ર યહૂદી તહેવારો પહેલા સામે આવેલા આ ડેટાએ સમગ્ર શહેરમાં ભય અને રોષનો માહોલ સર્જ્યો છે. આંકડા દર્શાવે છે કે વર્ષ 2025માં નોંધાયેલા 367 કિસ્સાઓની સરખામણીએ 2026ના પ્રથમ આઠ મહિનામાં જ આ આંકડો વધીને 425 પર પહોંચી ગયો છે. જુલાઈ મહિનામાં અપર વેસ્ટ સાઇડ પર આવેલા સિનાગોગ (યહૂદી પ્રાર્થના સ્થળ) બહાર મોશે ગ્રુનહાઉસ નામના વ્યક્તિ પર થયેલો જીવલેણ છરાબાજીનો હુમલો હોય કે પછી સેન્ટ્રલ સિનાગોગ અને મિડટાઉનમાં થયેલી હિંસક ઘટનાઓ, યહૂદીઓ સામેની હિંસા સતત વધી રહી છે.

 

આ સ્થિતિ માટે સ્થાનિક યહૂદી નેતાઓ અને કાર્યકર્તાઓએ શહેરના સમાજવાદી મેયર ઝોહરાન મામદાનીને સીધા જવાબદાર ગણાવ્યા છે. ઇઝરાયલ વિરોધી નિવેદનો, ગાઝા મુદ્દે યહૂદી રાષ્ટ્ર પર "નરસંહાર"ના આરોપો અને બેન્જામિન નેતન્યાહૂની ધરપકડની માંગણી જેવા તેમના વલણને કારણે શહેરમાં યહૂદી વિરોધી માનસિકતાને પ્રોત્સાહન મળ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તાજેતરમાં જ બ્રુકલિનના બોરો પાર્કમાં એક સ્ટોરની મુલાકાત દરમિયાન હોલોકોસ્ટ સર્વાઇવરના પરિવારજનો અને ઇઝરાયલ તરફી કાર્યકર્તા સ્ટેફની બેનશીમોલે મેયરનો જાહેરમાં ઘેરાવ કરી ગર્જના કરી હતી કે, "આ બધું તમારા કારણે જ થઈ રહ્યું છે, તમને અહીં આવતા શરમ આવવી જોઈએ!"

 

બીજી તરફ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) પણ આ બાબતે સક્રિય થયું છે. નાગરિક અધિકાર વિભાગના વડા હરમીત ધિલ્લોને જાહેરાત કરી છે કે તેમનો વિભાગ ન્યૂ યોર્કમાં વધતા યહૂદી વિરોધી ગુનાઓની સક્રિય તપાસ કરી રહ્યો છે. તેમણે મેયર મામદાની પર આકરા પ્રહારો કરતા તેમને "યહૂદી વિરોધીતાના રાજા" ગણાવ્યા હતા. જોકે, મામદાનીએ આ આક્ષેપોને ફગાવતા દાવો કર્યો છે કે તેઓ નફરત સામે લડવા માટે ભંડોળમાં સતત વધારો કરી રહ્યા છે અને ઓગસ્ટ મહિનામાં આ પ્રકારના ગુનાઓમાં 13.6% નો ઘટાડો પણ નોંધાયો છે.

 

અન્ય હિંસક ગુનાઓની વાત કરીએ તો, NYPD કમિશનર જેસિકા ટિશે શહેરમાં ગોળીબાર અને હત્યાના બનાવોમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હોવાની ઉજવણી કરી હતી. 1 જૂનથી 31 ઓગસ્ટ દરમિયાન શહેરમાં ગોળીબારની ઘટનાઓ ઘટીને 195 અને હત્યાઓ ઘટીને 66 પર આવી ગઈ છે, જે ન્યૂ યોર્કના ઇતિહાસમાં સૌથી નીચો આંકડો છે. પરંતુ સામાન્ય હિંસા ઘટવા છતાં ચોક્કસ સમુદાયને લક્ષ્ય બનાવીને કરવામાં આવતી નફરતની હિંસાએ શહેરની કાયદો અને વ્યવસ્થા સામે મોટો સવાલ ઊભો કર્યો છે.

 

(8:39 PM IST)