તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
યુએસમાં ભારતીયો સામે નફરતનું ઝેર ભળ્યું: H-1B વિઝા અને નોકરીઓ છીનવવાનો આરોપ મૂકીને ઓનલાઇન-ઓફલાઇન હુમલા વધ્યા
CSOH રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો: ૨૪૦% ના ઉછાળા સાથે ભારતીયો અને દક્ષિણ એશિયાઈ મૂળના લોકો કટ્ટરપંથીઓના નિશાન પર; AI ના માધ્યમથી નફરત ફેલાવાઈ

વોશિંગ્ટન : અમેરિકામાં વસતા દક્ષિણ એશિયાઈ મૂળના લોકો, ખાસ કરીને ભારતીય સમુદાય માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 'સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ઓર્ગેનાઈઝ્ડ હેટ' (CSOH) ના તાજેતરના અહેવાલ "ધ રાઇઝિંગ ટાઇડ ઓફ એન્ટી-સાઉથ એશિયન હેટ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ" મુજબ જાન્યુઆરી ૨૦૨૪થી અમેરિકામાં દક્ષિણ એશિયાઈ લોકો પ્રત્યેની નફરતમાં ૨૪૦ ટકાનો ભયાનક વધારો નોંધાયો છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર થઈ રહેલી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓમાં મુખ્ય લક્ષ્ય ભારતીયો બન્યા છે, જેમના પર ઇમિગ્રેશન, H-1B વિઝા અને સ્થાનિક અમેરિકનોની નોકરીઓ છીનવી લેવાના આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે.
૫.૪ લાખથી વધુ દ્વેષપૂર્ણ પોસ્ટ્સ: 4chan અને 'X' પર સૌથી વધુ ઝેર ઓકોવાયું
CSOH ના વિશ્લેષણ અનુસાર, જાન્યુઆરી ૨૦૨૫થી જૂન ૨૦૨૬ દરમિયાન 'X' (અગાઉનું ટ્વિટર), 4chan, 8chan અને Gab જેવા પ્લેટફોર્મ્સ પર દક્ષિણ એશિયાઈ સમુદાય વિરુદ્ધ ૫,૪૨,૩૬૦ થી વધુ દ્વેષપૂર્ણ પોસ્ટ્સ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન માસિક નફરતપૂર્ણ સામગ્રીમાં ૭૫% નો વધારો થયો હતો. 'X' પરની લગભગ ૪૫% પોસ્ટ્સમાં દક્ષિણ એશિયાઈ લોકોને "આક્રમણખોરો" (invaders), "નોકરી ચોરનારા" (job thieves) અથવા "સમસ્યા" તરીકે સંબોધવામાં આવ્યા હતા, જ્યારે 4chan જેવા પ્લેટફોર્મ્સ પર ૯૦% થી વધુ નફરતભર્યા ઉલ્લેખો જોવા મળ્યા હતા.
ભારતીયો જ નિશાન પર શા માટે?
અમેરિકામાં ભારતીય સમુદાયની વસ્તી આશરે ૫૨ લાખ જેટલી છે. કુલ H-1B વિઝા ધારકોમાં ભારતીયોનો હિસ્સો ૭૦% થી વધુ છે અને યુએસની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓમાં પણ ભારતીયોનું જૂથ સૌથી મોટું છે. યુએસ વર્કફોર્સ અને ઉચ્ચ શિક્ષણમાં ભારતીયોની વધતી જતી દૃશ્યતા તથા સફળતાને કારણે કટ્ટરપંથી જૂથો આર્થિક રોષ અને ઝેનોફોબિક રાષ્ટ્રવાદનો શિકાર બનાવી રહ્યા છે. ખોટી વાર્તાઓ ફેલાવવામાં આવી રહી છે કે ભારતીયોએ અમેરિકન જોબ માર્કેટને તોડી પાડ્યું છે.
ઓનલાઇન નફરત હવે રસ્તા પર ઉતરી: હિંસક હુમલામાં વધારો
આ નફરત માત્ર સોશિયલ મીડિયા પૂરતી સીમિત નથી રહી પરંતુ વાસ્તવિક જીવનમાં પણ હિંસક સ્વરૂપ ધારણ કરી રહી છે:
- ફેબ્રુઆરી ૨૦૨૫: ફ્લોરિડામાં ભારતીય મૂળની નર્સ પર વંશીય ટિપ્પણીઓ કરીને મારપીટ કરવામાં આવી.
- જુલાઈ ૨૦૨૬: ઉટાહના શોપિંગ મોલમાં એક ભારતીય કર્મચારી પર હુમલો થયો, જેને ફેડરલ પ્રોસિક્યુટર્સે હેટે ક્રાઇમ ગણાવ્યો.
- સપ્ટેમ્બર ૨૦૨૬: વ્યોમિંગમાં એક ભારતીય શીખ ટ્રક ડ્રાઇવરની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી.
AI અને "ડોક્સિંગ" દ્વારા માનસિક ઉત્પીડન
અહેવાલમાં એક નવો અને ખતરનાક ટ્રેન્ડ સામે આવ્યો છે—જનરેટિવ AI નો ઉપયોગ કરીને દક્ષિણ એશિયાઈઓની જાતિવાદી અને વિકૃત છબીઓ તથા વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, "ડોક્સિંગ" (Doxing) ના માધ્યમથી H-1B વિઝા ધારકોની અંગત માહિતી, તેમના ઘરના સરનામા અને કાર્યસ્થળની વિગતો ઓનલાઇન જાહેર કરીને તેમને અને તેમના પરિવારોને ધમકીઓ આપવામાં આવી રહી છે.
આ અહેવાલ દર્શાવે છે કે વંશીય ઉત્પીડન માત્ર ભારતીયો પૂરતું સીમિત નથી, પરંતુ પાકિસ્તાની અને બાંગ્લાદેશી અમેરિકનો તેમજ હિન્દુ, શીખ અને મુસ્લિમ સમુદાયો પણ આ વધતા દ્વેષનો શિકાર બની રહ્યા છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
