તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
શાળામાં 'ભૂતિયા' પડછાયો કે માનસિક તણાવ? છત્તીસગઢની શાળામાં વિદ્યાર્થિનીઓ રહસ્યમય રીતે બેભાન થતાં ભારે ફફડાટ
વર્ગખંડમાં એકાએક વિદ્યાર્થિનીઓના હાથ-પગ જકડાયા, વિચિત્ર અવાજો કાઢી ચીસાચીસ કરી હોસ્પિટલ ભેગી કરાઈ છતાં તમામ રિપોર્ટ નોર્મલ આવતાં તબીબો પણ મૂંઝવણમાં મુકાયા : હિસ્ટિરિયા હોવાની આશંકા વચ્ચે તંત્ર દોડતું થયું

ભિલાઈ : છત્તીસગઢના ભિલાઈ નજીક આવેલા ખમહરિયા વિસ્તારની સ્વામી આત્માનંદ અંગ્રેજી માધ્યમ શાળામાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલા એક અત્યંત વિચિત્ર અને રહસ્યમય ઘટનાક્રમે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. શાળાના ક્લાસરૂમમાં શાંતિથી ભણી રહેલી વિદ્યાર્થિનીઓ અચાનક જ કોઈ અગમ્ય ડરનો ભોગ બની રહી હોય તેમ એક પછી એક વિચિત્ર અવાજો કાઢવા લાગે છે, તેમના હાથ-પગ લાકડાની જેમ કડક થઈ જાય છે અને આંખોમાંથી અવિરત આંસુ વહેવા સાથે તેઓ બેભાન થઈ જાય છે. માત્ર ત્રણ જ દિવસમાં એક સરખા જ લક્ષણો ધરાવતી આવી આઠ-આઠ વિદ્યાર્થિનીઓ હોસ્પિટલ ભેગી થતાં શાળા વહીવટીતંત્ર, વાલીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં કોઈ અદ્રશ્ય શક્તિનો પ્રકોપ હોવાની વાતો વહેતી થતાં ભયનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે.
આ ચોંકાવનારી ઘટનાની શરૂઆત ગત 9 જુલાઈના રોજ થઈ હતી જ્યારે ચાલુ ક્લાસમાં એક વિદ્યાર્થિનીને ચક્કર આવતાં તેને સ્ટાફ રૂમમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેના થોડા જ સમયમાં અન્ય ચાર વિદ્યાર્થિનીઓએ પણ અચાનક ચીસાચીસ કરી વિચિત્ર વર્તન શરૂ કરી દીધું હતું. ગભરાયેલા શાળા સ્ટાફે તાત્કાલિક તમામ પીડિત બાળકીઓને નજીકની શંકરાચાર્ય મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરી હતી. નવાઈની વાત એ છે કે તબીબો દ્વારા લોહીના પરીક્ષણ સહિતના તમામ જરૂરી મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હોવા છતાં, રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી કે ઝેરની અસર જોવા મળી નથી અને તમામ રિપોર્ટ બિલકુલ સામાન્ય આવ્યા છે, જેણે આ રહસ્યની ગૂંચ વધુ ગૂંચવી દીધી છે.
પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે 11 જુલાઈના રોજ ફરીથી અન્ય બે વિદ્યાર્થિનીઓ આ જ રહસ્યમય લક્ષણોનો ભોગ બનીને ઢળી પડી હતી. શાળાના આચાર્યા સુનિતા દીવાને જણાવ્યું કે આ ઘટના માત્ર છોકરીઓ સાથે જ બની રહી છે, જેથી તકેદારીના ભાગરૂપે પ્રભાવિત વર્ગખંડો પણ બદલી નાખવામાં આવ્યા છે. તબીબી નિષ્ણાતોના મતે આ સામૂહિક માનસિક તણાવ અથવા 'માસ હિસ્ટિરિયા' નો કિસ્સો હોઈ શકે છે, જેમાં ભય અથવા અફવાને કારણે બાળકો એકબીજાને જોઈને આવું વર્તન કરવા લાગે છે. હાલમાં શિક્ષણ વિભાગને લેખિત જાણ કરીને શાળામાં મનોવૈજ્ઞાનિકોની વિશેષ કાઉન્સેલિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી બાળકીઓના મનમાંથી આ અજ્ઞાત ડર દૂર કરી સ્થિતિ સામાન્ય બનાવી શકાય.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
