તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
HDFC બેંકનો કરોડો ગ્રાહકોને મોટો ઝટકો: MCLR દરોમાં કર્યો વધારો : હોમ અને ઓટો લોનની EMI મોંઘી થશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે વ્યાજ દરોમાં 5 થી 10 બેસિસ પોઈન્ટનો વધારો ઝીંકતા મધ્યમ વર્ગના બજેટ ખોરવાશે : આજથી જ નવા વ્યાજ દરો અમલી બનતા ટર્મ લોન લેનારા ગ્રાહકોના ખિસ્સા પર સીધો બોજ પડશે

મુંબઈ : દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા, HDFC બેંકે તેના કરોડો ગ્રાહકોને મોટો આંચકો આપતા વિવિધ લોન મુદત માટેના માર્જિનલ કોસ્ટ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. બેંક દ્વારા પસંદગીના સમયગાળા માટે વ્યાજ દરોમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ (bps) નો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિતની તમામ ટર્મ લોનના માસિક હપ્તા (EMI) માં મોટો વધારો જોવા મળશે. બેંકની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ સુધારેલા નવા દરો આજથી એટલે કે 7 જુલાઈથી જ સમગ્ર દેશમાં અમલી બનાવી દેવામાં આવ્યા છે, જેની સીધી અસર એવા ગ્રાહકો પર પડશે જેમની લોન ફ્લોટિંગ રેટ અથવા MCLR માળખા સાથે જોડાયેલી છે.
બેંક દ્વારા કરાયેલા આ વધારા બાદ નવા વ્યાજ દરોના આંકડા પણ સામે આવ્યા છે, જે ગ્રાહકોના ખિસ્સા હળવા કરનારા છે. નવા ફેરફાર મુજબ, રાતોરાત (ઓવરનાઇટ) માટેનો MCLR 9.00% થી વધીને હવે 9.05% થયો છે, જ્યારે એક મહિનાનો દર 9.10% અને ત્રણ મહિનાનો દર 9.25% થયો છે. તે જ રીતે, છ મહિનાનો બેન્ચમાર્ક વધીને 9.40% પર પહોંચી ગયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે, જે દર સાથે દેશના મોટાભાગના મધ્યમ વર્ગની હોમ લોન અને કાર લોન જોડાયેલી હોય છે, તે 'એક વર્ષનો MCLR બેન્ચમાર્ક' હવે વધીને 9.45% ના સ્તરે પહોંચી ગયો છે, જ્યારે બે વર્ષ અને ત્રણ વર્ષના લાંબા ગાળાના MCLR દરો અનુક્રમે 9.50% અને 9.55% ના ઊંચા સ્તરે સેટ કરવામાં આવ્યા છે.
જો કે, લોનધારકો માટે રાહતના સમાચાર એ છે કે MCLR માં થયેલો આ વધારો તેમના માસિક હપ્તા (EMI) પર તાત્કાલિક અસર નહીં કરે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, જ્યારે ગ્રાહકની લોનની 'રીસેટ તારીખ' (Reset Date) આવશે, ત્યારે જ આ નવા વ્યાજ દરો લાગુ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહકની હોમ લોનનો રીસેટ સમયગાળો એક વર્ષનો હોય, તો લોનનું વર્ષ પૂર્ણ થતાં જ નવી વ્યાજ ગણતરી (9.45%) મુજબ હપ્તો વધશે. ભંડોળના વધતા જતા ખર્ચને ધ્યાનમાં રાખીને બેંકો દ્વારા લેવાયેલા આ કડક આર્થિક પગલાથી બજારમાં અન્ય બેંકો પણ વ્યાજ દર વધારે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે, જે સામાન્ય માણસના માસિક બજેટને આંચકો આપી શકે છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
