તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ભારે કરી મૃત સમજીને જેને દફનાવી દીધોઃ ૭ દિવસ પછી તે ઘરે પાછો આવ્યો હવે ગામ ગોથે ચડયું
જે લાશને વિશ્રામ મુંડા સમજીને દફનાવી હતી, તે હકીકતમાં કોની હતી. પોલીસ હવે આ અજાણી લાશની અસલી ઓળખ કરવાની મથામણમાં પડી

ખૂંટી તા.૨૩: ઝારખંડના ખૂંટી જિલ્લામાંથી એક અજીબોગરીબ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અહીં જે વ્યકિતને મૃત સમજીને પરિવારના લોકોએ સામાજિક રીતિ-રિવાજથી દફનાવી દીધો, તે શખ્સ મોતના ૭ દિવસ પછી અચાનક જીવતો ઘરે પાછો આવ્યો. આ ઘટનાથી એક તરફ પરિવારમાં ખુશીનો માહોલ છે, ત્યાં વળી બીજી તરફ પોલીસ બેડામાં હડકંપ મચેલો છે, હવે મારંગહાદા પોલીસ ગોટાળે ચડી છે, કે આખરે ૧૧ મેના રોજ જે લાશને વિશ્રામ મુંડા સમજીને દફનાવી હતી, તે હકીકતમાં કોની હતી. પોલીસ હવે આ અજાણી લાશની અસલી ઓળખ કરવાની મથામણમાં પડી છે.
આ સમગ્ર મામલો ખૂંટી જિલ્લાના મારંગહાદા વિસ્તારના પતરાટોલી ગામનો છે. અહીં રહેતા વિશ્રામ મુંડા આગામી ૬ મેના રોજ પોતાના સંબંધીને ત્યાં એક લગ્નપ્રસંગમાં હાજર થવા માટે ગયા હતા. જે બાદ ત્યાંથી અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવાર અને ગામ લોકોએ તેમની ખૂબ શોધખોળ કરી, પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં.
વિશ્રામ મુંડાની શોધખોળની વચ્ચે, ૧૧ મેના રોજ ખુંટી વિસ્તારના ડડગામા ગામ નજીક પોલીસને એક અજાણી લાશ મળી હતી. પોલીસે જ્યારે આ લાશને ઓળખવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે ગુમ થયેલા વિશ્રામ મુંડાના પરિવારના લોકો પણ ત્યાં પહોંચ્યા અને લાશને જોઈ. લાશની કદકાઠી અને દેખાવ એકદમ વિશ્રામ મુંડા જેવો લાગતો હતો, જેના આધારે પરિવારે તેને વિશ્રામ મુંડાની લાશ સમજી લીધી. પોલીસે પણ કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા બાદ લાશ પરિવારને સોંપી દીધી. જે બાદ પતરાટોલી ગામમાં સામાજિક રીતિ-રિવાજ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરી લાશને દફનાવી દીધી.
પરિવાર અને ગામના લોકો વિશ્રામ મુંડાના મોતના શોકમાં ડૂબેલા હતા, પણ આ આખી કહાનીમાં સૌથી રસપ્રદ અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો, જ્યારે દફનાવવાના ઠીક ૭ દિવસ બાદ એટલે કે ૧૭ મેના રોજ વિશ્રામ મુંડા અચાનક ખૂંટીમાં પોતાની દીકરીના ઘરે પહોંચ્યા. મરેલા પિતાને પોતાની સામે જીવતા જોઈ દીકરી અને પરિવારના અન્ય લોકો પણ ચોંકી ગયા.
જ્યારે પરિવારે તેમને અચાનક ગુમ થવા વિશે પૂછપરછ કરી તો વિશ્રામ મુંડાએ જણાવ્યું કે તેઓ લગ્ન સમારંભમાંથી સીધા રામગઢ જતાં રહ્યા હતા. તેમની પાસે મોબાઈલ ફોન નહોતો, જેના કારણે પરિવાર સાથે સંપર્ક થઈ શકયો નહીં. જો કે તેઓ રામગઢ શું કામ ગયા હતા, તે વાત સ્પષ્ટ થઈ શકી નથી.
દફનાવેલા વ્યકિત જીવતા પરત ફરતા સમગ્ર વિસ્તારમાં આ વાત આગની માફક ફેલાઈ ગઈ. વળી બીજી તરફ ખૂંટી પોલીસ સામે હવે સૌથી મોટું સંકટ એ આવ્યું છે કે આખરે એ અજાણ્યો શખ્સ કોણ હતો, જેને વિશ્રામ મુંડા સમજીને દફનાવી દીધો. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને અજાણી લાશને ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
