<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

ભાઈને રડતાં રડતાં કહ્યું હતું કે, "મને અહીંથી લઈ જાઓ: બીજા દિવસે મૃતદેહ મળ્યો :ઝાંસીમાં લગ્નના 4 મહિના બાદ નવવધૂનું શંકાસ્પદ મોત

લગ્ન બાદથી જ સાસરીવાળા દહેજ ઓછું મળ્યું હોવાની ફરિયાદ કરતા હતા અને સતત સોનાની ચેઈન, એસી તેમજ અન્ય વસ્તુઓની માંગણી કરીને સપનાને હેરાન કરતા

ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં લગ્નના માત્ર 4 મહિના બાદ જ 32 વર્ષની નવવધૂ સપના સાહૂનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટના બાદ યુવતીના પિયરિયાઓએ સાસરી પક્ષ પર દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપવાનો અને હત્યા કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

મૃતક સપના સાહૂના લગ્ન 20 ફેબ્રુઆરી 2026ના રોજ ઝાંસીના ઝારખડિયા મહોલ્લામાં રહેતા અભિષેક સાહૂ સાથે થયા હતા. અભિષેક બિસાતી બજારમાં આર્ટિફિશિયલ જ્વેલરીની દુકાન ચલાવે છે. સપનાના ભાઈ સત્યેન્દ્ર સાહૂના જણાવ્યા મુજબ, લગ્ન બાદથી જ સાસરીવાળા દહેજ ઓછું મળ્યું હોવાની ફરિયાદ કરતા હતા અને સતત સોનાની ચેઈન, એસી તેમજ અન્ય વસ્તુઓની માંગણી કરીને સપનાને હેરાન કરતા હતા. થોડા દિવસો પહેલાં જ પિયર પક્ષ તરફથી નવું કૂલર પણ આપવામાં આવ્યું હતું, તેમ છતાં સપના પરનો ત્રાસ ઓછો થયો ન હતો.

સપના 18 જૂનના રોજ પિયરથી પાછી સાસરીમાં ગઈ હતી. શનિવારે રાત્રે આશરે 11 વાગ્યે તેણે તેના ભાઈ સત્યેન્દ્ર સાથે ફોન પર વાત કરી હતી. ભાઈના દાવા મુજબ, સપનાએ રડતાં રડતાં કહ્યું હતું કે, "મને અહીંથી લઈ જાઓ, મારું અહીં બિલકુલ મન નથી લાગતું." પરંતુ પરિવારમાં મોટા સસરાની તેરમું (ત્રયોદશી) હોવાના કારણે ભાઈએ તેને મંગળવારે આવીને લઈ જવાની ખાતરી આપી હતી.

 

પરંતુ કમનસીબે મંગળવાર આવે તે પહેલાં જ રવિવારે સવારે સપનાના પતિ અભિષેકનો ફોન આવ્યો કે સપના કંઈ બોલતી નથી. માહિતી મળતાં જ પિયરના સભ્યો તાત્કાલિક સાસરીએ પહોંચ્યા, જ્યાં સપના રૂમમાં બેડ પર બેભાન અવસ્થામાં પડી હતી. તેને તાત્કાલિક મેડિકલ કોલેજ લઈ જવામાં આવી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

ભાઈ સત્યેન્દ્રનો આરોપ છે કે સપનાને દહેજ માટે માનસિક રીતે પ્રતાડિત કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. આ મામલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયું છે અને રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં પિયર પક્ષના આરોપોના આધારે પોલીસે તમામ પાસાઓ પર તપાસ શરૂ કરી છે.

(11:14 PM IST)