તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
નોકરી છોડી ઓટો પકડ્યો ને બદલાઈ ગયું નસીબ! સુપરવાઈઝરની જોબને લાત મારી બનેલા ઓટો ડ્રાઈવરની અધધ કમાણી, દર મહિને છાપે છે ₹૬૦,૦૦૦
કોર્પોરેટ કંપનીના સીઈઓ સાથેની મુલાકાતમાં ખુલી ઓટો ડ્રાઈવરની સક્સેસ સ્ટોરી: ₹૨૫,૦૦૦ ના ફિક્સ પગાર સામે ગિગ વર્કથી ડબલ કમાણી, પોતાની મર્યાદિત તકો છતાં ત્રણ બાળકોને અપાવી રહ્યો છે ઉચ્ચ શિક્ષણ

ગુરુગ્રામ : આજના આધુનિક યુગમાં પરંપરાગત નોકરીઓ કરતાં 'ગિગ ઇકોનોમી' (Gig Economy) એટલે કે સ્વતંત્ર અને ફ્રીલાન્સ કામમાં કમાણીની તકો કેટલી ઝડપથી વધી રહી છે, તેનો એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. 'ઝીપ ઇન્ડિયા' (Zypp India) કંપનીના સીઈઓ (CEO) આકાશ ગુપ્તાએ તાજેતરમાં જ એક સામાન્ય ઓટો સવારી દરમિયાન પોતાના ડ્રાઈવર સાથે કરેલી વાતચીત ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને એક નવી ચર્ચા જગાવી રહી છે.
સીઈઓ પણ ડ્રાઈવરની આવક સાંભળીને ચોંકી ગયા:
કંપનીના સીઈઓ આકાશ ગુપ્તાએ જ્યારે મુસાફરી દરમિયાન ડ્રાઈવરને તેની રોજની આવક વિશે પૂછ્યું, ત્યારે જે જવાબ મળ્યો તે આશ્ચર્યજનક હતો. ઓટો ડ્રાઈવરે ખુલાસો કર્યો કે તે વિવિધ ઓનલાઈન એપ્સ અને ગિગ વર્કના માધ્યમથી દરરોજ ₹૫૦૦ થી લઈને ₹૨,૦૦૦ સુધીની કમાણી કરી લે છે. આ હિસાબે તેની માસિક આવક સરળતાથી ₹૫૦,૦૦૦ થી ₹૬૦,૦૦૦ સુધી પહોંચી જાય છે. આ ડ્રાઈવર દિવસમાં માત્ર ૮ કલાક જ કામ કરે છે અને તમામ ખર્ચાઓ કાઢ્યા પછી પણ દર મહિને એક મોટી રકમ બચાવવામાં સફળ રહે છે.
સુપરવાઈઝરની એસી કેબિન છોડી કેમ પકડ્યું ઓટોનું સ્ટેયરીંગ?
વાતચીતમાં આગળ જાણવા મળ્યું કે, આ ડ્રાઈવર હંમેશાથી ઓટો નહોતો ચલાવતો. તે પહેલા ગુરુગ્રામની જ એક જાણીતી કંપનીમાં સુપરવાઈઝર તરીકે સ્થિર નોકરી કરતો હતો. પરંતુ ત્યાં તેને આખો મહિનો ઘસાવા છતાં માત્ર ₹૨૫,૦૦૦ નો પગાર મળતો હતો. ઓછી આવક અને મર્યાદિત આઝાદીના કારણે તેણે એ નોકરી છોડવાનો સાહસિક નિર્ણય લીધો. ઓટો ચલાવવાથી તેને વધુ સારા પૈસા તો મળ્યા જ, સાથે પોતાની મરજી મુજબ કામ કરવાની સુગમતા (Flexibility) પણ મળી, જે કોર્પોરેટ નોકરીમાં શક્ય નહોતી.
પોતે ઓછું ભણ્યા, પણ બાળકોના ભવિષ્ય માટે દૃઢ નિશ્ચય:
આ વાર્તાનો સૌથી પ્રેરણાદાયી ભાગ એ છે કે, આ ઓટો ડ્રાઈવરને પોતાની જિંદગીમાં ક્યારેય ઉચ્ચ શિક્ષણ મેળવવાની કે મોટી તકો ઝડપવાની તક નહોતી મળી. તેમ છતાં, તે પોતાની આ મહેનતની કમાણીથી પોતાના ત્રણેય બાળકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેની ખાસ તકેદારી રાખી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ ડ્રાઈવરની મહેનત અને તેના દૃઢ નિશ્ચયના ભરપૂર વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી લખ્યું કે, આ ડ્રાઈવરની નાણાકીય સ્થિતિ અને માનસિક શાંતિ આજે ડિગ્રી લઈને ફરતા ઘણા પગારદાર આઈટી પ્રોફેશનલ્સ કરતાં પણ વધુ સારી છે!
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
