<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

મુંબઈ યુનિવર્સિટીની કેન્ટીનમાં ગંદકીનો ઢગલો: FDA એ ફટકાર્યો ₹૧ લાખનો દંડ, છ પ્રખ્યાત એકમોના લાઇસન્સ સસ્પેન્ડ

ખુલ્લી ડ્રેનેજ, ગંદકી તેમજ લાઇસન્સ વિના ચાલતી કેન્ટીન સામે કડક કાર્યવાહી, વરલી-બોરીવલી-લોઅર પરેલ સહિતના સ્થળોએ પણ તવાઈ.

મુંબઈ, તા.૨૪: મુંબઈમાં ખાદ્ય સુરક્ષા તેમજ સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારા ખાણીપીણીના એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ફોર્ટ સ્થિત મુંબઈ યુનિવર્સિટીની કેન્ટીનમાં ગંભીર બેદરકારી સામે આવતા ₹૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે શહેરના છ જાણીતા એકમોના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ હાથ ધરાયેલી તપાસ દરમિયાન યુનિવર્સિટીની કેન્ટીનમાં કાચા તેમજ તૈયાર ખોરાકને અલગ ન રાખવા, કચરાથી ભરેલી ખુલ્લી ડસ્ટબિન, જમીન પર મુકાયેલા વાસણો, ખુલ્લા ડ્રેનેજના ઢાંકણાં તેમજ કર્મચારીઓ પાસે ગ્લોવ્ઝ કે સુરક્ષાત્મક કપડાં ન હોવા જેવી ગંભીર ખામીઓ મળી આવી હતી, ઉપરાંત કેન્ટીન પાસે માન્ય ફૂડ લાઇસન્સ પણ નહોતું.

 

ઘટનાની વિગતવાર માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે બોરીવલી પૂર્વની મરાઠા ચિકન સપ્લાયર્સ, ગોવંડી પૂર્વની વેલ્વેટ ફાઈન ચોકલેટ્સ, ગોવંડીની શાને-ઈલાહી બેકરી એન્ડ સ્ટોર, લોઅર પરેલની બ્રિટિશ બ્રુઇંગ કંપની, પ્રભાદેવીની ક્રસ્ટોઝ ચીઝ બર્સ્ટ પિઝા બાય ઓલિયો તેમજ વરલીની નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયાના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે, જ્યાં માખી-વંદાનો ઉપદ્રવ, અયોગ્ય સંગ્રહ અને પ્રમાણપત્રોની ખામીઓ જોવા મળી હતી.

 

આ ઉપરાંત એન્ટોપ હિલ તેમજ ટિળકનગર વિસ્તારમાં પ્રતિબંધિત ખાદ્યપદાર્થો રાખવા બદલ બે વિક્રેતાઓ સામે ગુના પણ નોંધવામાં આવ્યા છે, અને તપાસ દરમિયાન ખોરાકના તાપમાન નિયંત્રણ તેમજ જરૂરી દસ્તાવેજોના અભાવની બાબતો પણ પ્રકાશમાં આવી છે.

 

ભૂતકાળમાં પણ શહેરની વિવિધ હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીના એકમોમાં અસ્વચ્છતા તેમજ નિયમભંગ સામે FDA દ્વારા સઘન ઝુંબેશ ચલાવીને દંડ અને લાઇસન્સ રદ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવતી રહી છે.

(4:51 PM IST)