તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
બખ્તિયારપુર સ્ટેશન પર કાળજું કંપાવતી દુર્ઘટના: પ્લેટફોર્મ ચડવા જતાં બે મહિલાઓ સુપરફાસ્ટ ટ્રેન નીચે કચડાઈ; મોત પહેલાંનો રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો આવ્યો સામે
ફરક્કા એક્સપ્રેસ સામે જિંદગીનો જંગ હારી ગઈ બે મહિલાઓ: જીવ બચાવવા છેલ્લી સેકન્ડ સુધી કરી મથામણ - મદદ કરવા આવેલા મુસાફરો પણ લાચાર બન્યા

પટના: બિહારના બખ્તિયારપુર રેલવે સ્ટેશન પર સોમવારે બપોરે એક અત્યંત કરુણ અને હચમચાવી દે તેવી ઘટના બની હતી. પ્લેટફોર્મ બદલવા માટે પાટા ઓળંગતી બે મહિલાઓ પૂરઝડપે આવતી ટ્રેનની ઝપેટમાં આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ છે.
મદદ માટે હાથ લંબાવ્યા પણ કાળ આંબી ગયો
આ ઘટના ૪ મે (સોમવાર) ના રોજ બપોરે આશરે ૨:૩૦ વાગ્યે બની હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેશન મુસાફરોથી ભરચક હતું. આ દરમિયાન બે મહિલાઓ હાથમાં સામાન સાથે રેલવે ટ્રેક ઓળંગીને પ્લેટફોર્મ પર ચડવાની કોશિશ કરી રહી હતી. તે જ સમયે સામેથી યમદૂત સમાન 'ફરક્કા એક્સપ્રેસ' ફૂલ સ્પીડમાં આવી રહી હતી. પ્લેટફોર્મ પર ઉભેલા બે મુસાફરોએ આ મહિલાઓને ઉપર ખેંચવા માટે હાથ લંબાવ્યા અને મદદની કોશિશ પણ કરી, પરંતુ ટ્રેનની ઝડપ એટલી વધારે હતી કે મહિલાઓ પ્લેટફોર્મ પર ચડી શકે તે પહેલા જ ટ્રેને તેમને કચડી નાખ્યા હતા.
લોકોના નજર સામે ખેલાયો મોતનો તાંડવ
મહિલાઓએ ટ્રેનને પોતાની તરફ આવતી જોઈ જીવ બચાવવા આખરી મથામણ કરી હતી, પરંતુ તેઓ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈ સ્ટેશન પર હાજર મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી. દુર્ઘટના બાદ થોડા સમય માટે ટ્રેન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. રેલવે પોલીસ (GRP) એ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ટ્રેક સાફ કરીને સેવાઓ ફરી શરૂ કરાવી હતી.
તપાસ તેજ કરવામાં આવી
મૃતક મહિલાઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર રેલવે ટ્રેક ઓળંગવાની જોખમી પદ્ધતિ અને તેના માઠા પરિણામો વિશે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સુરક્ષાના તમામ સાધનો અને ફૂટ ઓવરબ્રિજ હોવા છતાં થોડો સમય બચાવવાની લાલચ કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
