<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં કાળજું કંપાવી દેતો ખુલાસો: ૨૬ નિર્દોષોનો શિકાર કરતા પહેલાં આતંકવાદીઓએ ઝાડ નીચે નિરાંતે જમણવાર કર્યો હતો!

NIAની ૧,૫૯૭ પાનાની ચાર્જશીટમાં પાકિસ્તાની કાવતરાનો પર્દાફાશ: ગોપ્રો (GoPro) કેમેરો લગાવીને મધ્ય ઘાસના મેદાનને 'કિલિંગ ઝોન' બનાવ્યું, કલમા પઢાવીને એક નાગરિકનો જીવ બક્ષ્યો

નવી દિલ્હી, તા.૨૨: જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના એક વર્ષ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં એવા સનસનાટીપૂર્ણ અને ચોંકાવનારા ખુલાસા થયા છે, જે સાંભળીને કોઈપણના રૂંવાડા ઊભા થઈ જાય. ૨૬ નિર્દોષ નાગરિકોના લોહીની હોળી ખેલતા પહેલાં, આતંકવાદીઓએ કોઈ સામાન્ય પ્રવાસીની જેમ બૈસરન ખીણ નજીક એક ઝાડ નીચે બેસીને બપોરનું ભોજન કર્યું હતું અને ત્યારબાદ મોતનો નગ્ન નાચ ખેલ્યો હતો.
પાકિસ્તાની કાવતરું અને લોકલ કનેક્શન
NIA દ્વારા સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી ૧,૫૯૭ પાનાની આ ચાર્જશીટમાં વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદના સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના પાકિસ્તાની આકાઓનું ઊંડું કાવતરું ખુલ્લું પડ્યું છે. આ હુમલામાં પાકિસ્તાનના કસૂરના રહેવાસી સાજિદ જટ્ટ સહિત સાત આરોપીઓ સામે હત્યા, ભારત સામે યુદ્ધ છેડવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદા (UAPA) હેઠળ ગુનો નોંધાયો છે. આતંકવાદીઓ પાસેથી મળી આવેલા ફોનના શાઓમી (Xiaomi) ડેટા પરથી સાબિત થયું છે કે આ બંને ફોન પાકિસ્તાનમાં વેચાયા હતા, જેમાં આલ્પાઇન ક્વેસ્ટ એપ દ્વારા હુમલાના લોકેશનના કોઓર્ડિનેટ્સ મોકલવામાં આવ્યા હતા.
હુમલાની આગલી રાત: ‘અલ્લાહના માર્ગમાં જેહાદ’ની વાતો
હુમલાના બરાબર એક દિવસ પહેલા એટલે કે ૨૧ એપ્રિલની સાંજે, ત્રણ સશસ્ત્ર પાકિસ્તાની આતંકવાદીઓ બૈસરન નજીક એક સ્થાનિક કાશ્મીરી પરવેઝ અહમદના ‘ઢોક’ (ઝૂંપડી)માં ઘૂસી ગયા હતા. પરવેઝના મામા બશીર અહમદે આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો. પરવેઝે તપાસકર્તાઓને જણાવ્યું કે, "તેઓ પંજાબી મિશ્રિત ઉર્દૂ બોલતા હતા અને ખૂબ તરસ્યા હતા. મેં તેમને પાણી આપ્યું તો તેઓએ કહ્યું કે કાશ્મીરી મુસ્લિમોની આઝાદી માટે જેહાદ કરનારા મુજાહિદોને પાણી આપવા બદલ મને ‘સવાબ’ (પુણ્ય) મળશે." આતંકવાદીઓએ રાત્રે ત્યાં જ રોટલી અને ચાનો નાસ્તો કર્યો, પોતાના હથિયારો ધાબળા નીચે છુપાવ્યા અને રાત્રે ૧૦ વાગ્યે ત્યાંથી નીકળી ગયા હતા.
ગોપ્રો કેમેરો પહેરીને ‘કિલિંગ ઝોન’માં એન્ટ્રી
૨૨ એપ્રિલની સવારે, આ નાપાક આતંકવાદીઓએ બૈસરન પાર્કમાં પ્રવેશતા પહેલા ઝાડ નીચે લંચ લીધું, ધાબળા ઓઢીને રેકી કરી અને હુમલાની અંતિમ તૈયારી કરી. આઘાતજનક બાબત એ છે કે, જ્યારે તેઓ વાડ કૂદીને પાર્કમાં ઘૂસ્યા ત્યારે તેમાંથી એક આતંકવાદીએ પોતાના માથા પર 'GoPro' કેમેરો પહેર્યો હતો જેથી આ ક્રૂર હત્યાકાંડનું લાઈવ રેકોર્ડિંગ કરી શકાય. બપોરે બરાબર ૨:૨૩ વાગ્યે પહેલો ગોળીબાર M4 કાર્બાઇનમાંથી થયો અને જોતજોતામાં આખા ઘાસના મેદાનને આતંકવાદીઓએ 'મૃત્યુના મેદાન'માં ફેરવી દીધું. લોકો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ઢાબા અને ઝિપલાઈન નજીક અંધાધૂંધ AK-47 ઓગાળી દીધી હતી.
કલમા પઢાવ્યો અને હવામાં ગોળીબાર કરીને ઉજવણી કરી
આ નરસંહાર એટલો ક્રૂર હતો કે ઝાડ પાછળ છુપાયેલા ત્રણ નાગરિકોને આતંકવાદીઓએ શોધી કાઢીને પોઇન્ટ બ્લેન્ક રેન્જ (નજીકથી)થી ગોળી મારી દીધી. ભાગતી વખતે તેઓએ એક સ્થાનિક માણસને રોક્યો અને તેની ધાર્મિક ઓળખ માટે ‘કલમા’ પઢવા કહ્યું. તે માણસે કલમા પઢી સંભળાવતા આતંકવાદીઓએ તેને જીવતો છોડી દીધો હતો. હુમલા બાદ પાર્કમાંથી બહાર નીકળતી વખતે રાક્ષસી આનંદ મેળવતા આતંકવાદીઓએ હવામાં અંધાધૂંધ ફાયરિંગ કરીને ઉજવણી કરી હતી, જે તેમનો ક્રૂર ઈરાદો અને પસ્તાવાનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે. જોકે, પાપનો ઘડો ભરાતા આ ત્રણેય હુમલાખોરો ગયા વર્ષે ૨૮ જુલાઈના રોજ સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં કુતરાના મોતે માર્યા ગયા હતા.

(3:24 PM IST)