News of Friday, 18th September 2026
પાકિસ્તાનમાં હૃદયકંપાવનારો ત્રાસવાદી હુમલો: કોહાટની મસ્જિદ નજીક શુક્રવારની નમાઝ સમયે ભયાનક વિસ્ફોટ, ૧૫ શ્રદ્ધાળુઓના મોત અને પ૦થી વધુ ઘાયલ
વિસ્ફોટકોથી ભરેલી કાર હાઈ-સિક્યોરિટી ઝોનમાં ઘુસાડી ધડાકો કરાયો; બ્લાસ્ટ બાદ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થતાં ભયનો માહોલ

ઇસ્લામાબાદ, તા.૧૮: પાકિસ્તાનના અશાંત અને સંવેદનશીલ ગણાતા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક આતંકવાદી હુમલો સામે આવ્યો છે. 'ઓલ્ડ પોલીસ લાઇન્સ' જેવા હાઈ-સિક્યોરિટી ઝોનમાં આવેલી એક મસ્જિદ પાસે શુક્રવારની બપોરની નમાઝ દરમિયાન જ વિસ્ફોટકોથી ભરેલા એક વાહનને ઘુસાડીને શક્તિશાળી ધડાકો કરવામાં આવ્યો હતો. આ ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૫ શ્રદ્ધાળુઓ અને પોલીસકર્મીઓના મોત નીપજ્યા છે, જ્યારે પ૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સ્થાનિક અહેવાલો મુજબ, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. ધડાકો એટલો તીવ્ર હતો કે મસ્જિદનો બહારનો ભાગ તથા દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી અને મુખ્ય દરવાજા પાસે એક મોટો ખાડો પડી ગયો હતો. બ્લાસ્ટની સાથે જ વિસ્તારમાં ભારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો, જેમાં સશસ્ત્ર આતંકવાદીઓ અને સ્થાનિક સુરક્ષા દળો વચ્ચે સામસામે ભારે ચકમક ઝરી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ૧૧૨૨ ની ટીમો અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર (DHQ) હોસ્પિટલમાં કટોકટી (Emergency) જાહેર કરવામાં આવી છે અને પ૦થી વધુ ઘાયલોની સારવાર શરૂ કરાઈ છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર દર્શાવાઈ રહી છે. સુરક્ષા કારણોસર કોહાટ-હંગુ રોડને સીલ કરી દેવામાં આવ્યો છે. પ્રાંતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ કાયરતાપૂર્ણ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા આતંકીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
