તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
બ્રિટનના નોટિંગહામશાયરમાં હૃદયદ્રાવક ઘટના : સામાન્ય બોલાચાલી બાદ ભીડ પર કાર ચઢાવી દેતા પાંચ લોકો લોહીલુહાણ : એકની હાલત અત્યંત ગંભીર
માર્કેટ પ્લેસ વિસ્તારમાં લાલ રંગની કાર વડે હુમલો કરી ચાલક ફરાર : પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં નાકાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ : રસ્તાઓ બંધ કરાતા જનજીવન પ્રભાવિત

નોટિંગહામશાયર :બ્રિટનના નોટિંગહામશાયરના આર્નોલ્ડ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ભયાનક ઘટના બની હતી. શહેરના વ્યસ્ત ગણાતા માર્કેટ પ્લેસમાં એક કાર ચાલકે ફૂટપાથ પર જતા રાહદારીઓ પર અચાનક ગાડી ચઢાવી દીધી હતી. આ અકસ્માત પાછળ અગાઉ થયેલી કોઈ બાબતની બોલાચાલી કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આ હુમલામાં પાંચ પુરુષો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક વ્યક્તિ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
ઝઘડો થયો અને કાર હથિયાર બની
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે આશરે 1:12 વાગ્યે આર્નોલ્ડ ટાઉન સેન્ટરમાં કોઈ વાતને લઈને ઉગ્ર દલીલો અને ઝઘડો થયો હતો. આ વિવાદ બાદ એક શ્વેત વ્યક્તિએ પોતાની લાલ રંગની વોક્સહોલ એસ્ટ્રા કાર ગુસ્સામાં લોકોના ટોળા તરફ ભગાવી હતી અને અનેક લોકોને અડફેટે લીધા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ ચાલક કાર ઘટનાસ્થળે જ મૂકીને પગપાળા ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસ અને ફોરેન્સિક પુરાવા
નોટિંગહામશાયર પોલીસના ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર રૂબી બરોએ જણાવ્યું હતું કે, આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી હોય તેવું હાલમાં જણાતું નથી, પરંતુ આ એક ગંભીર ગુનો છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ, ડોરબેલ કેમેરા અને ડેશકેમ ફૂટેજ મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં માર્કેટ પ્લેસ, ગેલિંગ રોડ અને સેન્ટ્રલ એવન્યુ જેવા મુખ્ય માર્ગોને તપાસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
સ્થાનિક સાંસદની અપીલ
આર્નોલ્ડના સાંસદ માઈકલ પેને આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સ્થાનિક રહીશોને અપીલ કરી છે કે તપાસ ચાલુ હોય ત્યાં સુધી અફવાઓ પર ધ્યાન ન આપવું. રસ્તાઓ બંધ હોવાને કારણે સ્થાનિક બસ સેવાઓના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને અનેક વેપારીઓએ તેમની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે. પોલીસ હાલમાં ફરાર ચાલકની સઘન શોધખોળ કરી રહી છે અને લોકોને માહિતી આપવા વિનંતી કરી છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
