તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 13th July 2026
તમિલનાડુમાં હૃદયદ્રાવક ઘટનાઃ પિતાએ ૨ બાળકોની વીજ કરંટ આપી હત્યા કરી
પત્ની અન્ય પુરુષ સાથે રહેવા જતાં માનસિક તણાવમાં ભયાનક પગલું

તમિલનાડુના તુતિકોરિન જિલ્લાના સવેરિયારપુરમ્ નજીક એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં ૪૦ વર્ષીય એક વ્યક્તિએ પોતાના બે સગીર સંતાનોને વીજ કરંટ આપી મોતને ઘાટ ઉતાર્યા હતાં અને પછી પોતે પણ આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ પત્ની અન્ય પુરુષ સાથે ભાગી જતા માનસિક તણાવમાં તેને આ ભયાનક પગલું ભર્યું હતું.
મૃતકોની ઓળખ મેરી માઈકલ (૪૦), તેમની ૧૪ વર્ષીય પુત્રી મેરી નિરોશા અને ૧૨ વર્ષીય પુત્ર મેરી કેનિસ્ટન તરીકે થઈ હતી. બંને બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હતાં
પોલીસના જણાવ્યા અનુસાર લગભગ છ મહિના પહેલાં માઈકલની પત્ની તેને અને પરિવારને છોડીને અન્ય એક પુરુષ સાથે રહેવા જતી રહી હતી. આ ઘટનાથી માઈકલ હતાશામાં સરી પડ્યો હતો. તેને ટ્રક ડ્રાઈવર તરીકે નિયમિત કામ પર જવાનું પણ બંધ કર્યું હતું અને ક્યારેક પેઇન્ટિંગનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો.
શુક્રવારે માઈકલ બાળકો માટે ભોજન લઈને આવ્યો હતો અને તેમને સૂઈ જવા કહ્યું હતું. ત્યારબાદ તેને બંને બાળકોના શરીર પર વીજળીના તાર બાંધી તેને વીજ પુરવઠા સાથે જોડીને કરંટ આપ્યો હતો. આ પછી તેને પણ એ જ તારથી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
માઈકલના ૭૫ વર્ષીય પિતા એન્થોની મુથુ તે સમયે રૂમની બહાર સૂતા હતાં. શનિવારે બપોર સુધી રૂમનો દરવાજો ન ખુલતાં તેમને શંકા ગઈ હતી. તેમણે પડોશીઓ અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં ત્રણેયના મૃતદેહ પલંગ પર પડેલા મળી આવ્યા હતાં. તેમના શરીર પર વીજળીના તાર બંધાયેલા હતાં. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલાયા હતાં.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
