<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી હૃદયદ્રાવક સમાચાર :માદા ચિત્તા KGP12 ના ચાર નવજાત બચ્ચા મૃત મળ્યા

પ્રોજેક્ટ ચિત્તાની સફળતા વચ્ચે આ ઘટનાએ વન વિભાગની ઊંઘ ઉડાવી દીધી :બચ્ચાઓના શરીર પરના નિશાન કોઈ મોટા શિકારીના હુમલા તરફ ઈશારો કરી રહ્યા છે.

મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. ભારતની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચિત્તા યોજના હેઠળ સંરક્ષિત માદા ચિત્તા ‘KGP12’ ના ચારેય નવજાત બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા છે. આ બચ્ચા માત્ર એક મહિનાના હતા અને જંગલના કઠિન વાતાવરણમાં અનુકૂલન સાધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 

મંગળવારે વહેલી સવારે લગભગ 6:30 વાગ્યે પેટ્રોલિંગ ટીમ જ્યારે જંગલ વિસ્તારમાં જઈ રહી હતી, ત્યારે તેમને માંદા પાસે બચ્ચાઓના મૃતદેહ જોવા મળ્યા હતા. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, બચ્ચાઓના શરીરના અંગો આંશિક રીતે ખવાયેલા જોવા મળ્યા છે, જેનાથી કોઈ જંગલી શિકારી પ્રાણી જેમ કે દીપડો અથવા ઝરખના હુમલાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ વન વિભાગે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે  મોકલી આપ્યા છે.

 

 

વન વિભાગના રેકોર્ડ મુજબ, આ ચારેય બચ્ચાઓનો જન્મ 11 એપ્રિલ 2026 ના રોજ થયો હતો. મોનિટરિંગ ટીમ દ્વારા 11 મે ની સાંજ સુધી તેમને સુરક્ષિત જોવામાં આવ્યા હતા, પરંતુ ગણતરીના કલાકોમાં જ આ દુર્ઘટના ઘટી હતી. રાહતની વાત એ છે કે માદા ચિત્તા KGP12 સંપૂર્ણ સુરક્ષિત છે અને તેના પર સેટેલાઇટ કોલર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

વન્યજીવ નિષ્ણાતોનું માનવું છે કે જંગલમાં જન્મ લેતા ચિત્તાના બચ્ચાઓ માટે શરૂઆતના ત્રણ મહિના અત્યંત સંવેદનશીલ હોય છે. ખુલ્લા જંગલમાં દીપડા અને અન્ય માંસાહારી પ્રાણીઓ નાના બચ્ચાઓ માટે મોટો ખતરો સાબિત થતા હોય છે. હાલમાં ભારતમાં કુલ 53 ચિત્તા છે, જેમાંથી 33 ચિત્તાનો જન્મ ભારતમાં જ થયો છે. આ ઘટનાએ પ્રોજેક્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

(11:03 PM IST)