<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

કુનો નેશનલ પાર્કમાંથી દર્દનાક સમાચાર: નામિબિયન નર ચિત્તા 'ગૌરવ'નું સારવાર દરમિયાન મોત: દેશમાં હવે ૫૫ ચિત્તા બચ્યા

૧૦ વર્ષથી વધુ વયનો ગૌરવ ગંભીર બીમારી અને ડિહાઇડ્રેશનથી પીડાતો હતો: પાલપુર હોસ્પિટલમાં દમ તોડ્યો: મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

ચિત્તાઓ માટે દેશનું પ્રથમ નિવાસસ્થાન ગણાતા મધ્યપ્રદેશના શ્યોપુર સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી વધુ એક માઠા અને દર્દનાક સમાચાર સામે આવ્યા છે. નામિબિયાથી ભારત લાવવામાં આવેલ ૧૦ વર્ષથી વધુ વયના નર ચિત્તા 'ગૌરવ'નું સોમવારે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. ૧૨ સપ્ટેમ્બરના રોજ જંગલમાં સુસ્ત અને અત્યંત નબળી હાલતમાં મળી આવ્યા બાદ તેને રેસ્ક્યૂ કરીને ક્વોરેન્ટાઇન બોમા ખાતે ડોક્ટરોની વિશિષ્ટ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો.

ગંભીર બીમારી અને ડિહાઇડ્રેશનથી પીડાતો હતો ચિત્તો: કુનો પાર્ક મેનેજમેન્ટ અને વન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૨ સપ્ટેમ્બરે રોગનું નિદાન થયા બાદ ગૌરવને ત્વરિત સારવાર આપવામાં આવી રહી હતી. પ્રાથમિક તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે તેના સ્નાયુઓ અત્યંત નબળા પડી ગયા હતા અને તે ગંભીર ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત) તેમજ કોઈ લાંબી બીમારીથી પીડાતો હતો. સતત તબીબી પ્રયાસો છતાં તેની સ્થિતિમાં સુધારો થયો નહોતો અને સોમવારે સાંજે આશરે ૪ વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રોજેક્ટ ચિત્તાના ડિરેક્ટર ઉત્તમ કુમાર શર્માએ જણાવ્યું હતું કે પાલપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ચિત્તા ગૌરવના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તેના સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.

નર ચિત્તા ગૌરવના અકાળ અવસાન બાદ હવે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓનો કુલ આંકડો ઘટીને ૫૧ થઈ ગયો છે. જેમાં ભારતમાં જન્મેલા ૩૬ બચ્ચાઓનો પણ સમાવેશ થાય છે. હાલમાં કુનોના ૧૬ ચિત્તા જંગલમાં મુક્તપણે વિચરરણ કરી રહ્યા છે, જ્યારે મધ્યપ્રદેશના જ ગાંધી સાગર અભયારણ્યમાં ૪ ચિત્તા મોજૂદ છે. ગૌરવના મોત સાથે જ સમગ્ર દેશમાં હવે કુલ ચિત્તાઓની સંખ્યા ઘટીને ૫૫ રહી ગઈ છે.

(11:42 PM IST)