તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
મેડ્રિડમાં કાળજું કંપાવતી ટ્રેન દુર્ઘટના: ૬૮થી વધુ મુસાફરોના મોત, રેલવે કંટ્રોલ રૂમની ગંભીર બેદરકારી સામે સવાલો
સિગ્નલ સિસ્ટમ ફેલ થયા બાદ ટ્રેક પર રોકાયેલી હાઈ-સ્પીડ ટ્રેનને પાછળથી આવતી બીજી ટ્રેને ટક્કર મારી; સ્પેનમાં ૩ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

મેડ્રિડ / ઉર્ડા (સ્પેન): સ્પેનના ટોલેડો પ્રાંતના ઉર્ડા વિસ્તારમાં રેલવે ઈતિહાસની અત્યાર સુધીની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાંથી એક સામે આવી છે. અહીં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી ગંભીર અથડામણમાં ૬૮થી વધુ નિર્દોષ મુસાફરોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હોનારતે સમગ્ર યુરોપને હચમચાવી નાખ્યું છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી દેશભરમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
દુર્ઘટનાનું કારણ: ટેકનિકલ ખામી અને માનવભૂલનું ઘાતક મિશ્રણ
પ્રાપ્ત અહેવાલો અનુસાર, બુધવારે સવારે અચાનક મુખ્ય સિગ્નલિંગ અને ટ્રેન કંટ્રોલ નેટવર્ક ફેલ થઈ ગયું હતું. સુરક્ષા નિયમો હેઠળ આસપાસના રૂટ પર દોડતી તમામ ગાડીઓને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન ૧૪૭ મુસાફરો સાથે જઈ રહેલી 'ઇરિયો' (Iryo) કંપનીની ટ્રેન ટ્રેક પર રોકાઈ ગઈ હતી.
પરંતુ, મેડ્રિડના અટોચા કંટ્રોલ સેન્ટરના ઓપરેટરોની ગંભીર લાપરવાહી સામે આવી છે. ટ્રેક પર આગળ ટ્રેન ઊભી છે કે નહીં તેની ખાતરી કર્યા વિના જ કંટ્રોલ રૂમે પાછળથી પૂરઝડપે આવી રહેલી 'રેનફે' (Renfe) કંપનીની એઆઈવી (AVE) ટ્રેન (જેમાં ૩૯૭ મુસાફરો સવાર હતા) ને આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું હતું. લાલ સિગ્નલ હોવા છતાં ઓપરેટરના આદેશને પગલે રેનફે ટ્રેન આગળ વધી અને પૂરપાટ વેગે ટ્રેક પર ઊભેલી ઇરિયો ટ્રેનને પાછળથી ધડાકાભેર અથડાઈ હતી.
પ્રચંડ ટક્કર અને ભયાનક દ્રશ્યો
આ ટક્કર એટલી શક્તિશાળી હતી કે બંને ટ્રેનોના ત્રણ મહત્વપૂર્ણ કોચ પાટા પરથી ઉતરીને બાજુની ઊંડી ખાઈમાં ખાબક્યા હતા. અકસ્માત સમયે થયેલા ધડાકાનો અવાજ માઈલો દૂર સુધી સંભળાયો હતો. ટ્રેનની અંદર હાહાકાર મચી ગયો હતો અને મુસાફરો જીવ બચાવવા માટે ચીસાચીસ કરવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સ્પેનિશ સરકાર હરકતમાં આવી હતી. ફાયર ફાઇટર્સ, સિવિલ ડિપાર્ટમેન્ટ, ૩ રેસ્ક્યૂ હેલિકોપ્ટર અને મિલિટરી એમરજન્સી યુનિટ (UME) ના જવાનોએ તાત્કાલિક ધોરણે મોરચો સંભાળ્યો હતો. ગેસ કટરની મદદથી ટ્રેનના ક્ષતિગ્રસ્ત ડબ્બા કાપીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક એરલિફ્ટ કરીને અને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં લોહીની ભારે અછત ઊભી થતાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં રક્તદાન કરવા આગળ આવ્યા છે.
તંત્ર પર ઉઠતા ગંભીર સવાલો
સ્પેનના પરિવહન મંત્રી ઓસ્કાર પુએન્ટેએ પત્રકારો સાથે વાતચીતમાં સ્વીકાર્યું છે કે આટલા આધુનિક અને સેફ્ટી ફીચર્સથી સજ્જ રેલ નેટવર્કમાં આવી ભૂલ થવી એ અકલ્પનીય છે. ન્યાયિક અને તકનીકી તપાસ પંચે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ કેટલાક સવાલો હજુ પણ અનુત્તર છે:
આધુનિક ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ (ERTMS) સક્રિય હોવા છતાં ટ્રેન આપોઆપ કેમ ના રોકાઈ?
કંટ્રોલ રૂમની સ્ક્રીન પર ટ્રેનની લાઈવ લોકેશન બતાવતી હોવા છતાં ઓપરેટરે આવડી મોટી ભૂલ કેવી રીતે કરી?
સરકારે આ મામલે કસૂરવારો સામે સખતમાં સખત કાનૂની પગલાં લેવાની ખાતરી આપી છે. આ દુર્ઘટનાને કારણે સ્પેનના રેલવે સેફ્ટી પ્રોટોકોલ્સ સામે વિશ્વભરમાંથી સવાલો ઉઠી રહ્યા છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
